My Self

sultan black


 


 

Sultan Singh ‘Jivan’

[ DCOE, DCH, BBA, MA(psychology), MA(Sociology) ]


 


સ્વપરિચય
સુલતાન સિંહ

કૃષ્ણના અસ્તિત્વથી બહુ પાછળ અને આભાસી ધર્મથી સહેજ આગળ.

મારા જીવનના બે મુખ્ય વિચારો હું ફોલો કરું છું.

૧. હું સૌનો છું, છતાં હું કોઈનો નથી. (આ ગુણ હજુ ચારેક વર્ષ પહેલાં જ સ્થાયી થયો છે. આ વારસાગત નહીં પણ ગીતાની સમજણ ગત આવ્યો છે.)

૨. જીવનમાં હું કોઈ પણ સ્ટેજ પર હોઈશ મારો પ્રયત્ન હંમેશા એ જ રહેશે, કે મને પડેલી મુશ્કેલી હું મારી નજર સમક્ષ કોઈને નહીં થવા દઉં. જો એનામાં કરી દેખાડવાની ધગશ હશે. (આ ગુણ વારસાગત કહી શકાય, કારણ કે હુ એવા માતા-પિતાની સંતાન છું જેમણે હંમેશા મને એ આપવાની કોશિશ કરી છે જે એ લોJઓ નથી મેળવી શક્યા.)

મારુ નામ એટલે મારા જીવનનું સૌથી મહત્વનું પાસું. કારણ કે કોણ જાણે હજુ વીસમી સદીના અંતમાં મારા પપ્પાના મગજમાં હું હલ્યું હશે. બધાનું નામ ફોઈબા આપતા હોય છે, પણ મારા માટે એ કાર્ય મારા પપ્પાએ જ કર્યું. કદાચ એમના પ્રેમ અને પૂર્ણ વિશ્વાસના કારણે જ મારુ નામ મારા માટે સૌથી મહત્વનું બની ગયું. એમણે કોઈ પણ જાતિ, રાશિ કે કુંડળીની પરવાહ કર્યા વગર જ નામ નક્કી કરી નાખ્યું હતું. સુલતાન સિંહ… અમારે મૂળ તો નામની પાછળ સિંહ આવવું જોઈએ, અમારા નામો પણ એ રીતે જ વિચારવામાં અને રાખવામાં આવે છે. જો કે સિંહ એટલે જંગલનો રાજા પણ કહેવાય અને મુઘલ વંશના રાજાઓ પણ ત્યાર સુધી સુલતાન જ કહેવાતા હતા. જો કે મારી પાસે નામ મુજબ કોઈ મોટી સિયાસત પણ નથી અને આવામ કે રિયાસત પણ નથી, છતાં હું મારા અંગત વિચારોનો રાજા તો ખરો જ. મારા આજ વિચારોના વૃંદાવન થકી હું થોડો ઘણો પ્રચલિત પણ છું. જે વિચારો તમે મારા બ્લોગમાં વાંચી, જોઈ, શેરી શકો છો.

ભક્તિ, ધર્મ, જાત, પાત, જૂથ અને સંગઠનો સાથે મારે ક્યારેય કોઈ લેવા દેવા જ નથી રહેતો , જો ત્યાં પક્ષપાતને સ્થાન હોય. કારણ કે કોઈ એકના પક્ષમાં હું ક્યારેય વિચારી જ નથી શકતો, તો બોલવા કે લખવાની એમની આશાઓ પુરી કરવામાં હું સફળ થાઉં એ વાત તો શક્ય જ નથી. રાજનીતિ મારો વિષય નથી અને હશે એ દિવસ રાજનૈતિક ઇતિહાસ આખો અલગ જ હશે. કારણ કે પક્ષવાદ મને ફાવશે નહીં, અને જુઠ્ઠી તારીફ હું કરી નહી શકુ. ભગવાનની સોગંદ મને લાગતી નથી, કારણ કે મારા આત્માના અંદરના સાદ સિવાય કોઈને ઈશ્વર મેં સ્વીકાર્યો જ નથી. જીવનમાં કોઈ વસ્તુ પૂજનીય કે ઈશ્વરીય લાગતી હોય, તો એ માત્ર અને માત્ર ગીતા અને એની જ્ઞાનધારા છે. જે વર્તમાન સમયના આભાસી ધર્મથી સહેજ આગળ અસ્તિત્વ ધરાવે છે.

હું લેખક છું એવો કોઈ ભ્રમ મારામાં ક્યારેક ક્યારેક સહેજ અમથો આવે છે, પણ ઈશ્વરીય કૃપા એવી છે કે એ વહેમ જાજો સમય સુધી ટકતો નથી. કૃષ્ણ વિશે લખું છું પણ જાણવામાં હજુ ઘણી વાર હોય એવું સતત મને લાગ્યા કરે છે. પ્રેમ શબ્દથી દૂર રહુ છું, કારણ કે વર્તમાન સમયમાં એની વ્યાખ્યા જોઈ મને એનાથી ડર લાગે છે. કવિ તો ક્યારેય હતો જ નહીં ને બનીશ પણ નહીં, કારણ કે મને એનું બંધારણ ફાવતું જ નથી. અને બંધારણના આગ્રહ સિવાય આ બાજુની જમાત મને એ કક્ષામાં બેસવા પણ નહીં દે, હું બેસવા માટે લડવાના મૂડમાં પણ નથી. મારી પદ્ય રચનાઓને તમે માત્ર શાબ્દિક લાગણીઓના ઉભરા તરીકે જ પરિભાષિત કરી શકો છો. કદાચ એટલે જ હું એને ‘તણખલા’ અને ‘તીનકે’ કેટેગરીના મથાળા નીચે બ્લોગમાં મુકું છું. આર્ટિકલમાં મારે ચર્ચા ઓછી અને વિવાદ વધુ જામે, એટલે હું બ્લોગ સિવાય ક્યાંય ખાસ કોઈ લખાણ મુકતો નથી. મારા મોટા ભાગના લેખો વિચારવૃંદ શીર્ષક નીચે જ લખું છું.

ભણવાની વાતમાં કોઈ ક્રમ જાળવીને મેં સુરેખ રસ લીધો નથી. જ્યાં સુજ્યું એ ક્ષેત્રમાં આંટાઓ માર્યા છે. અને કદાચ આ જ કારણે નોકરી માટે પણ સતત મારે આંટાઓ જ મારવા પડ્યા છે. છતાં પણ દરેક વસ્તુ શીખવાના ગાંડા શોખના કારણે કોઈ પણ ક્ષેત્રમાં હું જલ્દી ફિટ થઈ શકું એમ છું.

ચિત્રના વિષય સાથે મેં દસમુ પાસ કર્યું. ત્યારે રિજલ્ટ આવવાની વખતે જ એન્જીનિયરીગ નક્કી હતું. પણ મેરીટ 73 પર અટક્યું અને રિજલ્ટ 67 પર, એટલે પાછા ૧૧ અને ૧૨ની મંઝીલે હાલતી પકડી. અર્ટ્સની બહુ વેલ્યુ નહિ અને સાયન્સ જેટલી જો તનતોડ મહેનત કરીએ તો જીવવાનું ક્યારે, આવા છેડેચોક વિચાર સાથે પસંદગી કોમર્સ પર ઊતરી. જો કે વાલીનો પણ દુકાન વ્યવસાય હતો. એટલે એમને પણ આ જ લાઇન આપવાની તમન્ના હતી, એટલે કોમર્સ સાથેના અભ્યાસમાં એક કાંકરે બે પક્ષી મરાયા. શોખનો શોખ અને પિતાની ઈચ્છા સર આંખો પર. દૂધનો બળેલો છાસ ફૂંકી ફૂંકીને પીવે એમ દસમામાં સારા ટકા ન આવતા હાયરમાં મહેનતની ઠાની લીધેલી, ૧૧મુ ૮૪ અને ૧૨મુ ૮૧ હારે પાસ કર્યું અને પછી છાતી ફુલાવતા એજ્યુકેશનના સંઘર્ષ માંથી બહાર આવ્યા. વેકેશનમાં કોમ્પ્યુટર શીખવા DCOE કોર્સમાં દાખલ થયા, ૬ મહિનાનો કોર્સ સાહેબનું માથું ખાઈને ૧ વરહ ને ૩ મહિને પતાવ્યો, ત્યાં હુદીમાં ઓફીસ એડમીનીસ્ટ્રેશનને લાગતા ૨૧ સોફ્ટવેર ગાંઠે બાંધી લીધા. કોમ્પ્યુટરનો સાહેબ એટલો રાજી થયો કે અમદાવાદ ઓફીસ માટે અમને(હું ને મારો ભાઈબંધ) નોકરી ઓફર કરી. પણ ગ્રેજ્યુશન કરવા કરતાં પણ કોલેજી જીવનના સપનાઓએ એમાં રોડું નાખ્યું. કમાવવા કરતા જલસો કરી દેવાની તમન્નાએ બારમાંના બેઝ પર મળતી નોકરીનો ભોગ લીધો. સાહેબની ઓફરે ઠુકરાવી, સારા પગારે ઓફર થયેલી વોડાફોન કોલસેન્ટરની જોબ પણ ઠુકરાવી દીધી અને સફર થઈ ગ્રેજ્યુશનની. એમાં આપણે રયા એકાઉન્ટ સ્ટેટમાં ‘ઢ’ એટલે બીકોમમાં તો આબરૂ જાય એટલે મારી ગુલાંટ ‘BBA’ માં, અને પછી જામી ત્રણ વર્ષની સફર કોલેજ જીવનની. અહાહા… ત્રણ વર્ષમાં ૩૩ દી પણ રૂમમાં નહિ બેઠા હોઈ, બાકી વિસનગરનો છેડે છેડો અમે ઓળખાતા થઈ ગયા. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, બાગ, બગીચા, કોલેજો, મેદાનો, ફરવાલાયક સ્થળો બધું ખૂંદી વળ્યાં. સાથે સાથે ઇતું સી મહેનતે અમો ફસ્ટ કલાસ સાથે કોલેજમાં ત્રીજા નંબરે પાસ થયા. BBA પછી MBAના અભરખાએ CMAT માટે પૈસા રોકવા તલપાપડ કર્યા અને ફોર્મ ભર્યાના ત્રીજા દિવસથી ઘરની સ્થિતિએ MBA માટે નામંજૂરી આપી. છેવટે ફરી એકવાર રાબેતા મુજબ જીવન ચાલુ. CMAT પછી MBA ન કરવાના નિર્ણયે હિંમત આપી અને દસ મિનિટમાં બેપરવાહ આપવા ખાતર આપેલ પેપર પતાવી ભાઈ બહાર. તોય ૬૦ ગુણ સાથે ૫૦ના મિત્ર સર્કલમાં સાતમા સ્થાને રહ્યા. મેં પૈસા અને સહાયતા કે નિર્ણયના અભાવે IGNOU દ્વારા ચાલતા MA (psychology)માં પ્રવેશ મેળવી લીધો. લાઇન આખી ખોળવાશે એ હું જાણતો હતો, પણ શોખ અને શીખવાની ધગશ અને પરિવારની સ્થિતી મને ત્યાં જાવા મજબૂર કરતી હતી. કારણ કે બધાના ભણતર છોડવાના નિર્ણય સામે હું કાઇક તો શિખી શકું એના સમર્થનમાં હતો.

અચાનક ત્યારે જ જીવનનો અને જીવનો અથવા વ્યક્તિત્વનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. MBA ક્યારેય થશે પણ કે નહીં થાય એ વિચાર મક્કમ થાય એ પહેલાં જ ઘરનો આધાર સ્તંભ ભાંગી પડ્યો. મારા સર્વસ્વ સમાન પિતા અચાનક હૃદય હુમલામાં ગુજરી ગયા. હવે ઘરમાં એવી કોઈ સ્થિતી બચી જ નહીં કે આગળની સ્ટડી થાય. મોટો ભાઈ સપોર્ટિંવ હતો પણ MBA જેટલા પૈસા કાઢવા શક્ય જ ન હતા. રાજસ્થાન સમાજમાં ખર્ચા જ એટલા હોય કે તૂટેલાને પણ વધુ તોડી પાડે. એક બાજુ દુઃખ અને બીજી બાજુ સામાજિક રીત રસમોના ખર્ચાએ પરિવારની સ્થિતિ સતત બગાડી કાઢી. છેવટે પપ્પાની દુકાન કોલેજ પછી મેં સાંભળી. જો કે સાતમા મહિને જ હું એ ન કરી શક્યો. અભ્યાસ સાથે દુકાન જેવું બંધનિય કાર્ય ન થતા મેં એનેય પડતી મૂકી. એ ગાળામાં મનોવિજ્ઞાન વિષયનું ભણતર ચાલુ રહ્યું. લખવાનું જુનૂન હતું પણ બહુ મંદ એટલે અસાઈમેન્ટ સિવાય કાંઈ વધારે મારાથી ત્યારે ન ઉકળ્યું. છેવટે મનોવિજ્ઞાન સાથે ગુજરાતીમાં આવો કોઈ કોર્સ ન મળતા હિન્દીમાં ક્રિએટિવ રાઇટિંગનો કોર્ષ શરૂ કર્યો. જીવનમાં પ્રથમ વખત એના સાતમા સબજેક્ટ માટે નાટકો, આર્ટિકલો અને હિન્દીમાં એક નવલકથા પણ લખી. (જો કે કસાયમાં ખાસ ભલીસાર ન હતો એટલે એ નોવેલ હજુ કબાટ અને યુનિવર્સિટી સિવાય કોઈએ જોઈ નથી. ફ્યુચરમાં સમય મળતા રીનોવેશન સાથે એ બહાર આવશે.) છેવટે આંબેડકર યુનિવર્સિટીમાંથી ૨૦૧૪માં DCH ડિગ્રી માત્ર ૬૩% સાથે પાસ કરી. જો કે લેખન અંગે ગણું જ્ઞાન એમાંથી મેળવ્યું, પણ હજુ નક્કર કાંઈ લખી ન શક્યો. આ ગાળામાં આમેય પ્રેમમાં પડેલા પહેલા છોડીને અને પછી એટલા સડેલા કે ગીતાને ગળે લગાડી દીધા. પપ્પાના ગયા પછી ઈશ્વર પરની શ્રદ્ધા એટલી હદે મરી પરવારી, કે આસ્થા પણ અંધશ્રદ્ધા લાગવા લાગી હતી. પછી પાછી સત્યની સમજ ગીતા દ્વારા મળી અને ત્યારથી હું ભૌતિકવાદી વિચારધારા ત્યજીને અધ્યાત્મવાદ તરફની શોધમાં વાળ્યો. બુદ્ધ, મહાવીર, કે સાઈ બાબા જેવી તો નહીં પણ ગીતાના આધારે સાંસારિક જીવનમાં રહીને અધ્યાત્મને સમજવાની કોશિશો તો મેં શરૂ કરી જ હતી.

ધીરે ધીરે આધ્યાત્મિક સિરિયલો, સંદર્ભ ગ્રંથો અને ઓશો તરફની એક પછી એક કડીઓ જોડાઈ. ગણું બધું જાણવા મળ્યું પણ વાંચન અને જ્ઞાન હંમેશા અપૂર્ણ રહે છે, એમ કેટલુય વાંચન હજુ બાકી છે અને રહેવાનું જ છે. પણ જ્ઞાનના સ્તરમાં થોડોક ઉછાળો આવ્યો પણ પરમજ્ઞાન તો હજી શક્ય નથી જ, મેળવવું પણ નથી. કારણ કે ઊંચાઈએ જઈને દુનિયા જીવવા જેવી દેખાતી જ નથી. એટલે આપણે સંસારમાં પચે એટલો અધ્યાત્મવાદ જ સ્વીકાર્યો. કારણ કે પૂર્ણ અધ્યાત્મવાદ અપનાવી કાઈ હિમાલયમાં જઇ બેસવા તો હું ભણ્યો ગણ્યો છું નહી. મારી આધ્યાત્મ સંદર્ભોમાં રિસર્ચ ૨૦૧૪થી જ શરૂ થઈ ગઈ હતી…

મેં પછી BBA વિશે અને MBA વિશે રિસર્ચ કરી. ત્યારે સમજાયું કે એક પ્રકારે તો HR અને માર્કેટિંગ પણ જનસમુહને સમજવાની જ પ્રોસેસ છે. તો ૭૦-૮૦ હજાર વાર્ષિક ફી અને ૪૦-૫૦ હજાર જેવા મોંઘા ખર્ચાઓ કેમ..? એટલે મેં વ્યક્તિના મનની સાથે એ જે સમાજમાંથી આવે એને પણ પ્રયોરિટીમાં મૂકીને મનોવિજ્ઞાન સાથે જોડાયેલા સમાજશાસ્ત્ર અંગે વિચાર્યું. ગુજરાતી ભાષામાં અંબેડકરમાં એ કોર્ષ સરળતાથી મળી ગયો. એટલે મનોવિજ્ઞાન સાથે જ મેં સમાજશાસ્ત્રમાં પણ MA શરૂ કર્યું. બંને યુનિવર્સિટી અલગ હોવાથી ખાસ કોઈ સમસ્યા ન આવી.

સમય સાથે તૂટેલા દિલે પંક્તિઓ લખતા કર્યા. પંક્તિઓ પછી તણખલામાં ફેરવાઈ. વાર્તાઓ વાંચીને ફકરા લખતો થયો અને જ્યારે પૈસાની ખેંચ પડી એટલે ક્રેડિટ સોસાયટીમાં નોકરીએ જોડાઈ ગયો. એકાઉન્ટ સાથે બારમો ચંદ્રમા હોવા છતાં એમાં કુદી તો પડ્યો. યા હોમ કરીને પડો ફતેહ છે આગે, આ સાવ ખોટું તો ન જ ઠર્યું પણ કઈ ખાસ એમાં ઉકાળી પણ નથી જ શકાયું. હા અનુભવ મળ્યો અને પ્રેમના વાયરામાં ભંગાઈને સ્વપ્નમાં જીવતા પણ શીખ્યો. ઓફિસના એરકન્ડિશનમાં મન વધારે હળવું થઈને વિચારતું થયું. વધારાના કાગળો પર લખતું થયું અને વાર્તા સ્વરૂપે મનમાં જન્મેલો પ્લોટ સતત લાબાઈને નવલકથા બન્યો. કાગળોના ઢગલામાં આ આખી વાર્તા લખાઈ પણ પત્તા સાચવવા સતત મુશ્કેલ થઈ ગયા. ઓફિસમાં લખું તો સાચવવું પડે કે સાહેબો જોઈ ન જાય. છતાંય એકલો બેસતો ત્યારે લખતો. કોમ્પ્યુટરમાં ટાઈપ કરી સાચવવાનો વિચાર પણ આવ્યો અને માતૃભારતી વિશે નેટ પર મળ્યું. મેં એ એપ વાંચવા માટે ડાઉનલોડ કરી ત્યાં ઓથર ઓપશનમાં લખી શકતા લોકો માટે ફોર્મ હતું. મેં ભર્યું અને મને રીવર્ટ બહુ મોડો મળ્યો. પણ ત્યાં સુધીમાં મેં જીતેશ ભાઈની વિશ્વમાનવ વાંચવાની શરૂ કરી દીધી હતી. મારા લખાણની ભૂલો સહેજ સહેજ સમજાવા લાગી, એમ સુધારતો ગયો. મારા વીખરાયેલા પત્તા સાચવવાની શોધમાં માતૃભારતી પર મુકવાનો વિચાર આવ્યો. ત્યારે નવું નવું ગુજરાતી પ્રાઇડ કદાચ માતૃભારતી બન્યું હતું. જીતેશ ભાઈને ફોન કરી ગૂગલ ઇનપુટ દ્વારા ગુજરાતી ટાઇપની માહિતી મળી અને મેં ટાઈપ કરવાનું શરૂ કર્યું. અને છેવટે ત્રણ ચાર આર્ટિકલ પછી મેં નોવેલની વાત કરી અને મને ભાગો મોકલવાનું કહેવામાં આવ્યું. એક પછી એક એમ ચાર ભાગ પ્રકાશિત થયા. અને ઓફિસમાં ડખા પડ્યા બોસે pcપર અન્ય કામ કરવાની ના પાડી, એટલે હું નવું લેપટોપ લેવાનું વિચારવા લાગ્યો. પાંચ હજાર પગારમાં એ શક્ય ન હતું, એટલે મારી જ ક્રેડિટ સોસાયટીમાંથી રિકવેસ્ટ કરી પચ્ચીસ હજારની લૉન લઈ સ્નેપડીલ પરથી મેં lenovo g-40 લેપટોપ મંગાવ્યું. ત્યારથી હું ટાઈપ લેપટોપ પર કરવા લાગ્યો. હપ્તા પગારમાંથી ભરાઈ જતા અને માતૃભારતી પણ ત્યારે વળતળ આપતી હતી એટલે એમાંથી lappyના પૈસા ભરાતા રહ્યા.

ભાષાના નોલેજ અંગે કોઈ ખાસ આધારભૂત માહિતી નથી. હિન્દી ગુજરાતીના માધ્યમમાં પળ્યો છું. એટલે મેહોણાની ભાષા સાથે સાથે હું ગુજરાતી અને હિન્દીમાં પણ મજબૂત થતો ગયો. સાતમા સુધી સરકારીમાં ભણેલા હોવાથી વિવિધ ટાઇપની કોડેડ સિક્રેટ ભાષાઓ જેવી કે ઠાકોરોની, રબારીઓની, અને વાઘરી તેમજ ગામડિયા લોકોની સુંદર સુંદર ભાષાઓ પણ શીખવા મળી. ગુજરાતની વિવિધ સમજ અને મારવારીની વિવિધ જિયોગ્રાફીકલ ભાષાઓ પણ સમજતો થયો. આમ અંગ્રેજી સિવાયની દરેક ભાષામાં હું સતત કંઈકને કંઈક શીખતો રહ્યો. અંગ્રેજી પણ ૫૦% સુધી તો આવી, પણ આસપાસમાં ક્યાંય એનો વપરાશ ન હોવાથી એમાં કચાસ તો રહી જ ગઈ છે.

બે વર્ષનું મનોવિજ્ઞાનમાં MA ત્રણ વર્ષ લંબાયુ, કારણ કે ઈન્ટરનશીપ અને પ્રોજેક્ટના વિષયો સતત રિજેક્ટ થયા. સ્ટડી સેન્ટરમાં જમા કરાવેલ વિષય મહિને દિલ્હીથી રિજેક્ટ થતો અને આખી પ્રોસેસ ફરી શરૂ થતી. ત્યાર બાદના સમયમાં ઓફિસમાં દખલ વધતા મેં જોબ છોડી દીધી. દુકાનનું કામ, મામાની ચાની હોટલનું કામ અને મારું ભણતર તેમજ ઘરના કામો સાથે લખવાનું સતત ચાલુ રહ્યું. સ્વપ્નસૃષ્ટિ પુરી થઈ. આર્ટિકલો લખાતા રહ્યા. મિત્રો પણ વધતા રહ્યા અને વાંચન તેમજ લેખન પણ વિકસતું રહ્યું.

મારા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર જેવા શૈક્ષણિક પ્રવાહ અને અધ્યાત્મના વિચાર સામે રાખતા વર્તમાન સમય સામે બહુ વાંધાઓ મને દેખાયા. જેના પર હુ લખતો એટલે મેં સોશિયલ ઇસ્યુ પર લખવાનું વિચાર્યું. એવા સમયે મહેસાણામાં એસિડ અટેકની ઘટના બની. હું એ વિશે જાણીને ચોકયો, મહેસાણા જેવા શહેરમાં કદાચ આ પ્રથમ વખત હતી. એના વિશે બધું જાણ્યા પછી મને આ સંદર્ભ ગૂગલમાં શોધવાની ઈચ્છા થઈ. ગણું બધું મળ્યું અને મારા મનમાં ફરી એક પ્લોટ તૈયાર થયો જે અંતે ‘એસિડ અટેક’ સ્વરૂપે નોવેલ બનીને માતૃભારતી પર આવ્યો.

નવા પદ્ય સાહિત્યને, અને નવા સર્જકોને પ્લેટફોર્મ મળે એ માટે મેં કાવ્યગોષ્ઠી નામે એક ઓનલાઈન માસિક સામયિક પણ શરૂ કરેલું. જો કે ટિમ અને સાથ સહકારના અભાવે ૧૪માં અંક પછી એને અમુક નિર્ધારિત સમય માટે મેં પોસ્પોન્ડ કર્યું.

આ સમય દરમિયાન જ મહેસાણાની એકમાત્ર ૭૨ કોઠાની વાવ વિશે ખબર પડી. ચારેક વાર ત્યાં રૂબરૂ જય આવ્યો અને એની સ્થિતિ જોઈ હું આઘાતમાં મુકાયો. વધુ શોધતા બોગાસીયાની વાવ વિશે પણ જાણવા મળ્યું એની સ્થિતિ પણ બદતર જ મળી. કાઇક તો કરવું જ જોઈએ એ વિચારે મેં એ વિશે રિસર્ચ કરી એક આર્ટિકલ બનાવ્યો અને PMOમાં આ અંગે ફરિયાદ નાખી. એનો બે મહિને PMOમાંથી સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોપાયાનો લેટર મળ્યો. જવાબ હજુ સુધી અધ્ધર તાલ જ છે… પણ અમુક ટુરિજમના સાહેબને એ અંગે યાદ કરાવતો રહુ છું… હું જાણું છું એનો કોઈ જવાબ નથી છતાં જોવાની વાત એ છે કે આ લોકો શુ જવાબ આપી શકે છે, અને કેટલા સમયનો ભોગ લેશે…?

છેવટે ફરી મેં એડમિનિસ્ટ્રેટર તરીકે જોબ શરૂ કરી. મારુ MA બંને વિષયમાં લગભગ રિઝલ્ટની દ્રષ્ટિએ સાથે પત્યું. MA (psy) ૬૫% સાથે અને MA (soc) ૬૬% સાથે. જોબ ચાલુ છે, પ્રવાહ સાવ ઉલટો છે. જોબ કરું છું એ મારી પસંદગીનો પ્રવાહ નથી અને જે ક્ષેત્રમાં પસંદગી છે ત્યાં પ્રવેશનો માર્ગ દેખાતો નથી. લખવાના શોખે ફરી એકવાર મેં હિન્દી વિષય સાથે MA શરૂ કર્યું.

મહેસાણામાં સ્કોપના અભાવે પાછળના પાંચેક મહિનાથી અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં જવાનો પ્રયાસ ચાલુ જ છે, પણ કોઈકને કોઈક સંજોગોમાં અટકીને રહી જવાય છે. આ વાત એટલે મેન્સન કરું છું કારણ કે જીવનના ઘણા નિર્ણયો વ્યક્તિના જીવન અને વ્યક્તિત્વ બંને પર અસર કરે છે. હાલ મહેસાણામાં જ… કૂવાના દેડકા જેવા ઓછા દુનિયાના ખેલ જોઈને શાંત છીએ. સમુદ્રમાં જવાની જિજ્ઞાસા સતત ટળવળતી રહે છે, કારણ કે સાહસ વગર સિદ્ધિ નથી. દેડકાએ કુવા બહાર કાંઈ જોવું છે તો સાગરમાં હિંસક જાનવરોના ખતરાનો રિસ્ક પણ સાહેબો જ પડશે…

અત્યારે માતૃભારતી પર મારી એક નવલકથા ‘અ સ્ટોરી…’ ચાલે છે. સર્જનમાં ગ્રુપ નોવેલ ‘ડ્રિમગર્લ’ શરૂ કર્યા પછી આગળના લેખકોના સમય ફળવાણીના કારણે અટકેલી અવસ્થામાં છે. બીજી એક નોવેલ લખવાનો પ્રયાસ ચાલુ છે. બંધ કરેલું કાવ્યગોષ્ઠી ઇ-સામયિક નવા નામ અને પ્રવાહ તેમજ પ્રકાર સાથે એપ્રિલથી શરૂ કરવાનો વિચાર છે…

( મારા લેખન વિશેના બધા જ વિષયોમાં હું હજુ નવજાત શિશુ જેવો જ છું. મારી કોઈ રચના પરફેક્ટ નથી. પણ છતાંય હું લખું છું કારણ કે પાણીમાં તરવા માટે એમાં છબછબિયાં કરીએ ત્યારે જ એમાં તરતા શીખવાની ધગશ, બળ અને પ્રેરણા મળે છે. તેમજ ક્ષેત્રનો અનુભવ પણ…)

આ હતો આજ સુધીનો પરિચય..
આગળનું તો જીવનમાં બનશે ત્યારે જ કહી શકીશ ને…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૨૦ AM, ૦૨ માર્ચ ૨૦૧૮ )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.