રખડતી ગાયને સમસ્યા કહેનારા માટે માત્ર કપાતી ગાય જ કેમ માતા બની જાય છે…?


Published on

રખડતી ગાયને સમસ્યા કહેનારા માટે માત્ર કપાતી ગાય જ કેમ માતા બની જાય છે…?
શીર્ષક થોડુંક વિચિત્ર લાગશે. ઘણા લોકો તો મને શીર્ષકના કારણે જ હિન્દૂ વિરોધી સર્ટિફિકેટ આપી દેવા ઉતાવળા પણ બની જાય તો એમાં જરાય નવાઈ ની વાત નથી લાગતી. કારણ કે ઉપરનું શીર્ષક આપણા દેશની મોટા પ્રમાણની લોક માનસિકતાનું સંતુલન પહેલા જ રજૂ કરે છે. રોજ ઉઠીને મીડિયા હોય, સોશલ મીડિયા હોય કે દેશભક્તો જાણે ગાયોના કતલ અને ગૌ માંસના ગોરખધંધાનું જ રટણ કર્યા કરે છે. થવું જ જોઈએ… પણ ગૌ હિત માટે થવુ જોઈએ. સંગઠન, પક્ષ કે રાજનૈતિક હિત પૂરતું લાલચી રટણ ક્યારેય ગાયોની વર્તમાન સ્થિતિને સુધારી નહિ શકે. ઉલ્ટાની આ પરિસ્થિતિ વધુ વિકરાળ બનશે. આ વિકરાળ બનતી સમસ્યાના કારણ પણ આપણે જ તો છીએ. આપણે જેને માતા કહીએ છીએ એને જ રોજ રોડ પર રઝળતી પણ જોઈએ છીએ, છતાં આપણે અવાજ નથી ઉઠાવતા. એને ગંદકીમાં ફરતી જોઈએ છે, ત્યારે પણ અવાજ નથી ઉઠાવતા. જ્યારે રોગમાં સબડતી અને એઠવાડ ચાટવા મજબુર જોઈએ છીએ, ત્યારે પણ અવાજ નથી ઉઠાવતા. પણ હા, આપણે અવાજ ઉઠાવીએ છીએ તો માત્ર એ કપાય છે ત્યારે જ… તો શું માત્ર કપાતી ગાય જ આપણી માતા છે…? શુ હિન્દૂ સભ્યતામાં માત્ર કપાતી ગાયોનો જ શાસ્ત્રોલ્લેખ રજૂ કરાયેલ છે. રખડવા મજબુર બનતી, કચરો ખાઈને જીવવા મજબુર બનતી, એઠવાડ ચાટવા લાચાર અને લોકોના ધોકા ખાવા ધિક્કાર ભોગવતી ગાય સાથે આપણો કોઈ જ સંબંધ નથી…?

જો છે, ઓહ સોરી જો ખરેખર આ બધા સાથે આપણો કોઈ સંબંધ હોત તો ભારતમાં ગાયની સ્થિતિ ખરેખર દયનિય ન હોત. ગાય અકસ્માતોનું અને રોગચાળાનું કારણ ન હોત, પ્લાસ્ટિક ખાઈને કે અખાદ્ય પદાર્થો ખાઈને મરતી ગાયોને જોવાના અવસરો ઘણા ઓછા હોત… પણ એવું નથી. આવા હજારો પ્રસંગો આપણને જોવા મળે છે. દરેક કચરાના ગંધાતા ઢગલા પર ગાયો રોગનો ભોગ બને છે, દરેક શેરીઓમાં રખડતી ગાયો અકસ્માતના કારણ બને છે, રસ્તાઓમાં રઝળતી ગાયોની સ્થિતિઓ આજે પણ દયનિય છે.

ન તો ગૌ રક્ષક સમાજ આની દરકાર કરે છે, કે ન તો આ ગૌ માતાના નામે બડંગો ફેંકતો સભ્ય સમાજ, સંગઠન કે પક્ષ એની ચિંતા કરે છે. કારણ કે એને તો બસ પોતાનો લાભ દેખાય છે, એટલે કા તો એ ગૌશાળાના નામે કા તો પછી ગૌરક્ષક સંગઠનના નામે કપાતી ગૌના રક્ષણ માટે ઝંડો ઝાલી નીકળી પડ્યો છે. કારણ કે આર્થિક અથવા આડકતરી પરિસ્થિતિમાં એનાથી એને લાભ મળે છે. પણ આજ રાક્ષકોનું ધ્યાન કોણ જાણે કેમ ગાયોની વર્તમાન પરિસ્થિતી પર કદીએ નથી પડતું… ( ગૌ રક્ષાનું જે ગોરખ ચક્ર ચાલે છે એ પેલા પૈસા આપીને ગાયોને ઘાસ ખવડાવી પુણ્ય મેળવવા વિનવતા ઘાસના વેપારી જેવું છે. જે પોતે તો ગાયની ઘાસ માટે તડપતી આંખોને જોયા કરે છે, પણ પોતાના ઘાસના વેચાણ માટે લોકોને ગાયની તૃષ્ણાની અરજ કરતી ફરજ પાડવા રાત દિન લાગેલો રહે છે.) જ્યાં સુધી ભારતમાં આ પરિપ્રેક્ષય નહિ વિચારાય ત્યાં સુધી ગાય કપાય એમાં વાંધો ઉઠાવવા જેવો છે જ નહીં. (આ શબ્દોનો અર્થ એવો નથી કે હું ગાયોના કતલખાનાના કે ગૌમાંસના કારોબારીઓના સમર્થનમાં છું, હું એનો સજ્જડ વિરોધી જ છું.) છતાં હું કહું છું, કારણ કે જો તમે ગાયને માની જેમ સાચવી નથી શકતા, તો એને એઠવાડ કે પ્લાસ્ટિક ખાઈને સડવા દેવા કરતા કપાવા દેવામાં તમને શુ વાંધો છે…? બિચારી આમ પણ જીવતે જીવ દૂધ આપીને માણસ જાતિને કામ આવે છે અને મર્યા પછી ગૌમાંસ રૂપે પરોપકાર કરે છે, તો એનાથી ફર્ક શુ પાડવાનો… મૂળ ગૌનો તો સ્વભાવ જ પરોપકાર છે. એની ઉપમા માતાની છે એનું આ જ એક કારણ છે, કે એ સંતાનો માટે સર્વસ્વ ગુમાવતા પણ અચકાતી નથી. કપાતી ગાયોને રોકીને પણ છેવટે તો એને સડવા માટે કે રોગનો ભોગ બનીને રજળવા જ મૂકી દેવાના ને…?

તો પછી, એક વાત ગાંઠે બાંધી લો કે અહીં વાસ્તવિક સમસ્યા ગાયો કપાય છે એ નથી… વાસ્તવિક સમસ્યા ગાયોની સતત થતી, આપણા સ્વાર્થી પણાની આડઅસરે થતી દયનિય સ્થિતિ છે. આ સ્થિતિ સુધરશે તો જ કપાતી ગાયોનું પ્રમાણ જાતે નીચું આવતું જશે. જો ગાયોની સ્થિતિ સુધરશે તો જાતે જ ગાયોની કતલ અટકી જશે. કારણ કે હું માનું છું ત્યાં સુધી કપાતી ગાયો પણ વેચાણથી જ ખરીદવામાં આવે છે. કતલખાના કોઈના ઘરની ગાયો ચોરતા હોય એવો કોઈ બનાવ ધ્યાનમાં નથી. એટલે એનો એટલો અર્થ એટલો તો સ્પષ્ટ છે કે ગાયો બિચારી કપાતી વખતે પણ કહેતી હશે કે ‘હમેં તો અપનો ને લૂંટા ઘેરો મે કહા દમ થા, હમને મલિક હી એસે ચુને જીનકી નિયત મેં દયાભાવ કમ થા’.

દરેક કપાતી ગાયમાં ૯૦% ગાયો એમના જ માલિકો અથવા એમના શુભચિંતકો દ્વારા જ કતલખાના અથવા કસાઈઓને વેચી દેવામાં આવે છે. કારણ કે ગાયોનું ભરણ પોષણ એમને પાલવતું નથી, અથવા ગાયના પાલનથી એમને મળતું વળતર બંધ થઈ ગયું છે. સામાન્ય રીતે લોક માનસ જ એવું છે કે પોતાનો ફાયદો ઘટતા જે તે વસ્તુનો નિકાલ કરવામાં ઉતાવળા બની જાય છે. એટલે કે કપાતી ગાયોનું વાસ્તવિક કારણ એમના પ્રત્યેનો એમના માલિક અથવા શુભચિંતકોનો ધિક્કાર ભાવ છે. એટલે વાસ્તવિક લડાઈ આ ધિક્કારભાવ અનુભવતા માલિકો અને શુભચિંતકો વિરુદ્ધની છે. (શહેર કરતા ગામડામાં ગાયો વધું સચવાય છે, એ વાતમાં કોઈ બે મત નથી.)

એટલે હવે પછી જ્યારે પણ તમને કપાતી ગાયો પ્રત્યે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું કે વર્તમાન સંજોગો સામે લડવાનું મન થાય ત્યારે આ મુદ્દાઓને પણ એકવાર વિચારજો. ગુનેગાર એક પક્ષ જ નથી, આ તાલી બંને હાથે પડી રહી છે.

સાચા ગૌભક્ત અને કરુણામય બનવા સોશલ મીડિયામાં નહીં દહાડો તો ચાલશે, પણ સાહેબ જ્યારે ગાય દેખાય ત્યારે એના પ્રત્યે રહેમ નજર રાખજો. એને માતાની દ્રષ્ટિએ નવાજજો, શક્ય હોય તો એ બિચારી અખાદ્ય ખાવા મજબૂર ન થાય એ વિચારે બે ચાર રોટલી તમારા રાંધેલામાંથી આપજો ( ગરમાં ગરમ ન આપી શકો તો રાતનું ભોજન આપશો તો પણ એ ચરી લેશે, બિચારી મા ખરીને એટલે ઉંકારોય નહિ કરે.). ગાયોની દલાલી કરતા લોકોને રોકજો. કચરો નાખતી વખતે એટલું ધ્યાન જરૂર રાખજો કે એમાં એવું કાંઈ ન હોય જે ખાઈને આ જ માતા જાન ગુમાવે.

કપાતી ગાયો કરતા પહેલા રખડતી ગાયો અને ભૂખે મરતી કે રોગમાં સબડતી ગાયો વિશે પણ વીચારજો, કારણ કે મા ને મર્યા પછી ઘી-ખીચડી ખવડાવવાની હિંમત કરતા પહેલા જીવતી માને સૂકી રોટલીનો કટકો જ પોતાના હાથે જમાડવાની માણસાઈ બતાવજો…

બાકી તો ગાય પણ બિચારી સ્વભાવે અને સંબંધે માતા જ રહી ને… એટલે એ તો ફરિયાદ નહિ કરે, ( કારણ કે એક કહેવત છે કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય વાલા…) પણ આપણે તો એને માતા કહેનારા સંતાન. જો આપણે એની વેદના નહીં સમજીએ તો કોણ સમજશે…?

ફાસ્ટ ફોરવર્ડ :-

ગૌ માંસ અને કતલખાનાનું આખું તંત્ર સ્વાર્થ અને વ્યવસાયની આડપેદાશ છે. એક પોતાના સ્વાર્થ અને વ્યવસાય માટે ગાયો પહોંચાડી રહ્યું છે, તો બીજું તંત્ર એને વેચાણ માટે મોતને ઘાટ ઉતારી રહ્યું છે.

~ સુલતાન સિંહ ‘જીવન’

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.