જ્યાં વધારે સમય ગંદુ પાણી પડ્યું રહેતું હોય ત્યાં રોગચાળો ફાટી નિકળવો સહજ છે. આ સ્થિતિ માત્ર વાસ્તવિક સંસારમાં જ નથી જોવા મળતી પણ સોશિયલ મીડિયામાં પણ એટલી જ જોવા મળે છે. અને આ રોગ ત્રિવ્ર ગતિએ ફેલાય પણ છે. જેમ લાખોના ગામમાં ફેલાયેલી બીમારી ઝડપી હોય એમ જ આજના યુગમાં સોશિયલ મીડિયામાં મિલિયનોની સંખ્યામાં જોડાયેલા લોકોમાં પણ આ એટલી જ ઝડપી હોય છે.

ફેઅબુકમાં, ટ્વીટરમાં કે પછી કોઈ પણ સોશિયલ મીડિયામાં આવા હરખપદુડા સેવકો જરૂર હોય છે. પણ અપને ગિરિબાનમે ઝાક કર કોઈ નહિ દેખાતા એવી પરિસ્થિતિઓ પણ હોય છે. જે લોકોની આંખોમાં સ્ત્રીઓના સ્તન અને નિતંબ જોઈને બળતરા ઝરતી હોય એ જ લોકો આવા માધ્યમો દ્વારા સ્ત્રીના સમ્માનને ઉજાગર કરવાના ભુજંગો અને નગાડા વગાડતા ફરતા હોય છે… આ પોસ્ટ જોઈને તો તમે એમને મર્યાદા પુરુષોત્તમ સમજી લો એક સમય, પણ વાસ્તવિકતા ઘણી વાર નરકાસુર કરતા પણ ખરાબ હોય છે.

હવે મુદ્દાની વાત…

છેલ્લા ઘણા સમયથી હું ફેસબુકમાં એક્ટિવ છું.. ઘણા પેજ એવા છે જ્યાં લોકોના અને બહેન દીકરીઓના ફોટા ચોરી ચોરીને મુક્યાં બાદ ગંદા પ્રતિભાવો માંગવામાં આવે છે, તો સામે ઘણા ઝુંબેશે ભરાયેલા લોકો પણ છે, કેટલાક સ્ત્રી સશક્તિ કરણની બીગુલ વગાડતા હોય છે… હાલો આ બધુંય ઠીક પણ આ સંઘથી અલગ એક મોટો બીજો પક્ષ પણ છે જેમને આખા ભારતની બહેન દીકરીઓની ઘણી આભાસી ચિંતા ખબર નહીં કેમ સતાવતી હોય છે. એમને કોઈની દીકરીઓને લાઈક ન મળે તો જાણે ઓક્સિજન છીનવાઈ જાય એટલી હદે લાઈક માંગવા પડાપડી કરતા હોય છે. અને સાથે પાછું સચ્ચે ભારતીય હો તો, સચ્ચે હિન્દૂ હો તો, સચ્ચે દેશભક્ત હો તો જેવા સ્ટીકરો તો ચોંટાડેલા જ હોય. તો ચાલો આજે થોડીક વાત એ સંઘ અને એમની એક્ટિવિટી કે પ્રોટેસ્ટ વિશે પણ કરી લઉં. કારણ કે આ લખવાનો મૂળ હેતુ એ પ્રેમીઓને એક સંદેશ આપવાનો અને સાથે સાથે દરેકને પણ વાસ્તવિકતા બતાવવાનો છે…

ઘણા પેજ અને પ્રોફાઈલ એવા છે કે જેમને દેશના ખેડૂતની દીકરીને લાઈક કરાવી ને જાગૃતતા ફેલાવવાની છે. કોઈક ને શહીદની દીકરીની ચિંતા સતાવે છે, કોઈકને હીરો-હિરોઇન, પ્લેયર, દલિત, ગરીબ, રાજનેતા, રાહીશની વગેરે વગેરે બેટીઓની પડી છે. પણ સરકાર દ્વારા જે બેટી બચાવો ચાલે છે એમ હજુય કોઈ જાગૃતતા આવી નથી એ નથી સમજાતું. આપણા માંથી કોઈ નથી જાણતું કે આટલા સમાજ સેવકો છતાં આ પરિસ્થિતિ સુધરતી કેમ નથી. કારણ છે… ઘણા બધા કારણો છે… બધા દર્શાવવા પુસ્તક પણ ટૂંકું પડે પણ… એક મૂળ કારણ છે જે હું કહી રહ્યો છું…

આ બધા શેર કરતા પ્રેમીઓ, પેજ એડમીનો, સમાજ સેવકોને તેમજ દરેક વ્યક્તિને મારી નમ્ર અરજ છે કે આપણે આપણી બાજુ વાળા, દેશ વાળા, ખેડૂતો, શહીદો, રહીશો, દલિતો અને ગરીબોની દીકરીઓની ચિંતા એક સમય સાઈટમાં મૂકીને પણ આપણા પોતાના અથવા નજીકના સગાઓના ઘર-પરિવારમાં જે દિકરીઓનો જન્મ થાય છે, અને જૂના વિચારોના કારણે અથવા દીકરા પામવાની પાગલ આંધળી ઘેલછાને કારણે એમને મોતના મુખમાં ધકેલી દઈએ છીએ કેમ ન એની જ ચિંતા કરી લઈએ…

લોકો કેમ નથી સમજતા કે દેશ બદલવાની શરૂઆત પોતાના બદલાવથી થાય છે. એટલે દુનિયા બદલીને પોતે બદલાવાની વિચારધારાઓ ને સાઈડમાં મૂકી દેવી જોઈએ અને પોતે બદલાઈને દુનિયાને બદલાવ આપવાની મુવનેન્ટમાં ભાગીદાર થવું જોઈએ…

આવો આજે એક એવી પ્રતિજ્ઞા કરીએ કે

”હું આજ પછી ભલે સમાજના કે સોશિયલ મીડિયાના આવા કોઈ કાર્યોમાં ભલે ભાગ નહીં લઉ. પણ મારા પરિવારમાં કે મારા સગા સંબંધીઓ કે જ્યાં મારા કથનનું મૂલ્ય હશે ત્યાં હું કોઈ પણ દીકરીની ભૃણ હત્યા નહીં થવા દઉં.” આટલી પ્રતિજ્ઞા બસ છે દીકરી પ્રત્યેના પ્રેમ માટે, બાકી જીવનના પછીના પડાવોમાં તો દીકરી સાથે પ્રેમ આપો આપ થઈ જ જશે. કારણ કે ઘરમાં સાક્ષાત ઈશ્વર દિકરીમાં ખિલખિલાટ કરતો હોય ત્યારે કયો સભ્ય પરિવાર એને પ્રેમ આપતા પોતાની જાતને રોકી શકે…??

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૫૮ am, ૧૨ ઓગસ્ટ ૨૦૧૭ )

Advertisements