ઘણા દિવસથી મારા મનમાં એના જ વિચારો ચાલી રહ્યા હતા. કેટ કેટલી વાતો અચાનક સમયના એધાણોમાં તણાઈ ગઈ હતી. વખત તો ન કહેવાય એને યાદ કરીને બેસી રહેવાનો પણ, દિલ… તમને શું લાગે છે, કે આ દિલ સહજ વસ્તુને હમણાં બોલ્યા એટલી સહજતાથી સ્વીકારી લે છે…? ના, એવું શક્ય જ નથી કે જેટલી સહજતાથી આપણે બોલી નાખીએ એટલી સહજતાપૂર્ણ સ્થિતિમાં દિલ પણ એને સ્વીકારે. દિલ લાગણીઓના આધારે ચાલે છે અને લાગણીઓ બોલી દેવાથી સમી જતી નથી. એક સાગરને જેમ રેતીના ઢગલા કરીને રોકી ન શકાય, એ જ રીતે લાગણીઓનો આ ધસમસતો પ્રવાહ કાંઈ બોલી દેવાથી રોકાઈ જાય ખરા…??

પણ, આ બધી લાગણીઓને સમજનાર હવે કોણ હતું. કોઈ જ નહીં, અરે હા આ સ્થિતિ તો પહેલા પણ હતી જ ને..? જ્યારે મારા જીવનમાં તારું કોઈ જ સ્થાન બન્યું ન હતું. પણ… પણ… અરે હા, એ સ્થાન બનાવવાનું કામ પણ તે કરેલું. આખર શા માટે…? શા માટે તે રણની સૂકી ભઠ્ઠ રેતીમાં એ ફૂલનો છોડ વાવ્યો. શા માટે એની એટલી હદે કાળજી લીધી કે એ ઉગીને ફૂલને ખીલવે…? બસ એટલા માટે કે અચાનક એક દિવસ તું એને છોડીને ચાલી જાય…? બસ એટલે જ કે તને ફૂલ જોવાની ઈચ્છા હતી, અથવા પછી તે બસ એ વિચારીને તારી જાતની પરીક્ષા કરવા કર્યું કે તું ફૂલને ઉગાડી શકે કે નહીં… અને પછી તને સમજાયું કે તું કરી શકે. એટલે તે તારી પસંદગી બદલી નાખી… પણ… આ જરાય યોગ્ય નથી… મારા મતે તો નહીં જ…

એ દિવસે ખબર છે, મેં અચાનક તને કહ્યું કે બસ હવે બધું જ પૂરું. એક કામ કર કદાચ ફરી મારા મનમાં અને દિલમાં તારી સાથે વાત કરવાનો વિચાર કે તરંગ જાગશે અને મારા દ્વારા તને યાદ કરવાની તારા ઈચ્છા વિરુદ્ધની ભૂલ થઈ જ જશે. એટલે તું મને બ્લોક કરી જ દે. પણ, તે એનોય ઇનકાર કર્યો. કેમ…? તું એના દ્વારા એ દર્શાવવા માંગતી હોય ને કે તું મને ભૂલવા નથી માંગતી તો તે ખોટું વિચાર્યું. તું મને કા’તો તારી જાતને છેતરી રહી છે. કારણ ખરેખર એવું કઇ હોત ને તો પાછળના પાંચ દિવસમાં તારા કોલના ખડકલા સર્જાઈ ગયા હોત. તારે માટે એ જાણવું જરૂરી બની ગયું હોત કે આખર કયા કારણે મેં તને બ્લોક કરી દીધી… પણ.. એવું કાંઇ જ ન બન્યું… તને ખબર છે કેમ…??

કારણ એવું હોય કે ના તું મને ખોઈ નાખવા રાજી છે, ના મને સાચવી શકવા. ના તને મારા પ્રત્યે લાગણી છે, ના તું એમ કહી શકે છે કે તારું અત્યાર સુધીનું વર્તન એક આભાસ હતો. રણમાં દૂરથી દેખાતા મૃગજળ જેવો. અને તારા દ્વારા કહેવાયેલું આઈ લવ યુ તો જાણે રણમાં પડેલા પાણીના ટીંપા જેવું જે કોણ જાણે ક્યાં પડ્યું અને ક્યાં શોષાઈ ગયું એ રેતમાં. તારું વર્તન તારા વાસ્તવિક વ્યક્તિત્વ કરતા કદાચ મારી નજરે અથવા મારા માટે સાવ અલગ જ રહ્યું હશે. અથવા તારા માટે આ લાગણીઓનું ક્યારેય કોઈ મહત્વ હશે જ નહીં. સાંભળ્યું તો હતું કે લોકો માણસને નચાવી જાણે છે આજે જોઈ પણ લીધું કે લાગણીઓના ઝાળા નાખીને પણ કોઈ માણસોને શિકાર બનાવી શકે છે…

હું તને ગુનેહગાર તો સ્પષ્ટ ન કહી શકું. જવાબદાર પણ એકલી જ તો ન હોય, એની ખાત્રી આપી શકું. પણ, કદાચ તારા માટે એ ફુલનું કોઈ મહત્વ જ નથી જેને તે ખીલવ્યું છે. તે એને ધૂતકાર્યું પણ નથી અને સ્વીકાર્યું પણ નથી. તે એને ચૂંથ્યુ નથી એ વાત સાચી પણ તે એને સાચવ્યું પણ નથી. તને ફૂલ ગમે તો છે પણ એટલું નહિ કે એને તું જાળવી શકે, તારી પાસે અન્ય ફૂલો હશે કદાચ પણ જે તે ખીલવ્યું એને તે ભુલાવ્યું તો આખર ભુલાવ્યું શા કારણે..

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૮:૨૮, ૨૨ જુલાઈ ૨૦૧૭ )

Advertisements