મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આજે રોજ કરતા વધુ લોકોની અવરજવર સ્પષ્ટ વર્તાઈ રહી હતી. આજે સંજય ભાઈ અને વીનોદીની બહેન પણ દીકરા શૌર્યને મુંબઇ જવા માટે છોડવા આવ્યા હતા. આજ પ્રથમ વખત દીકરો દૂર જઇ રહ્યો હતો એટલે દીકરાને દૂર જતા જોઈને માં-બાપને થતી સહજ ચિંતા બંનેની આંખોમાં હતી. બંને જણા કામકાજ છોડીને એની પરવા કર્યા વગર જ અહીં સુધી શૌર્યના ના કહેવા છતાં આવ્યા હતા. સાથે નાની બહેન વિભક્તિ પણ આવી હતી. પણ, પપ્પા આટલા બધાની પેલટફોર્મ ટીકીટ લઈને પણ છોડવા આવવાની શી જરૂર છે. શૌર્યના પ્રશ્નોનો કોઈ જવાબ સંજય ભાઈએ વાળ્યો નહીં. છતાં પણ, શૌર્ય વારંવાર એક જ વાત કરતો હતો કે માં હવે હું કાંઇ નાનું છોકરું નથી કે તમે મને આમ મુકવા આવો છો. અને પપ્પા તમારી નોકરીનો સમય પણ થયો છે. અને આ વિભક્તિ, વિભુડી તારે નેશાળે નથી જવાનું કે શું તું કાંઈ નાની નથી હવે બરમાં ધોરણમાં આવી છે. મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે અને ભણવામાં ખૂબ ધ્યાન આપજે હું પૈસા મોકલતો રહીશ. પપ્પા પણ પછી કોઈની ગુલામી નહીં કરે. બસ મારી કમાણી પર હવે એમને આરામ કરવાનો વખત આવી ગયો છે. કેમ બરાબરનો પપ્પા…? શૌર્યએ સવાલ કર્યો ત્યારે સંજય ભાઈની આંખોમાં હરખના આંસુ ઉભરાઈ આવ્યા. આ આંસુ જોતા જ શૌર્ય ડરતા ડરતા બોલ્યો પપ્પા તમેં રડો છો…? શૌર્યના પ્રશ્નનો જવાબ આપવા સંજય ભાઈ પાસે શબ્દો ન હતા પણ વિનોદીની બહેને શૌર્યને સમજાવ્યું બીટા આતો હરખના આંસુ છે. એને વહેતા ન રોક આજે.

‘પણ, મમ્મી મારા કારણે પપ્પા રડે એ કેમ મને પોસાય…?’
‘હું ક્યાં રડું છું દીકરા, હું તો ખુશ છું. જેના તારા જેવા સંસ્કારી દીકરા હોય એને રડવાની જરૂર હોય જ ક્યાંથી.’ સંજય ભાઈએ દીકરાનો ખભો પસવારતા કહ્યું.
‘અને વિભુ જેવી દીકરી પણ… કેમ પપ્પા.’ વિભુની વાતથી ચારેય જણા ખડખડાટ હસી પડ્યા. હરખની હેલી પ્રસરી રહી હોય એમ દરેકના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.

‘હા… તમારા જેવા સંતાન હોય પછી કોઈને દુઃખની વ્યાખ્યા પણ ક્યાંથી ખબર હોય.’ સંજય ભાઈએ શૌર્ય અને વિભક્તિ બંનેને પોતાના બાહુપાશમાં ઝકડી લેતા કહ્યું.

તો પપ્પા હવે તમે જાઓ, અને તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. મમ્મી પપ્પાને કોઈ ભારે કામ ન કરવા દેતી. હવે તમારે આરામ કરવાના દિવસો છે. સમજ્યા..? બહુ મહેનત કરી છે તમે હવે પરિશ્રમ કરવાનો વારો મારો છે. હું અમદાવાદની ટ્રેનમાં હાલ નીકળી જઈશ. આજે રાત્રે મારે આમ પણ અમદાવાદ એક મિત્રના ત્યાં રોકાવાનું છે, એટલે હું શાંતિથી જઉં અને કાલે હું અને વિશ્વાસ બને મુંબઇ માટે નીકળી જવાના છીએ.

આઇટીમાં ફર્સ્ટકલાસ સાથે ડીગ્રી પૂર્ણ કર્યા બાદ કોલેજ કેમ્પસના ઇન્ટરવ્યૂ દરમિયાન જ શૌર્ય અને વિશ્વાસ બંને મિત્રોને નોકરી મળી ગઈ હતી. બંને ખુબજ સારા મિત્રો હતા ભણવા અને સમજશક્તિમાં પણ ખુબજ હોશિયાર હતા, અને સંસ્કારી પણ. ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણી સમજાવટ છતાં એમને છેક મુંબઇ હેડઓફિસમાં કામ મળેલું. શૌર્ય પિતાના પાસે રહી એમની અને મમ્મીની સેવા કરવા માંગતો હતો પણ કંપની વાળાને પણ સમજદાર લોકોની મેઈન ઓફિસમાં જરૂર હતી. આ બધી વાત કરી ત્યારે પપ્પા એ એને ઓફર નકારી અહીં જ નાનો મોટો વ્યવસાય કરવાની પણ મંઝુરી આપી જ હતી. છતાંય પપ્પાના સમજાવ્યા પછી પણ શૌર્ય આ ઓફર અને પગરધોરણને જરાય નકારી ન શક્યો, એટલે એણે જે સોફ્ટવેર કંપનીમાં સારી જોબ મળી ત્યાં જગ્યાની પરવા કર્યા વગર સ્વીકારી લીધી. એણે આખર તો પોતાના પરિવારની આર્થિક સ્થિતિ જોતા મદદ કરવાનું વિચારી લીધુ હતું. પપ્પાના તબિયત અને ૩૦૦૦ના ટૂંકા વેતન સામે ૪૦૦૦૦ની ઓફર ઘણી મોટી હતી. એમાંય મુંબઈમાં વિશ્વાસના મામાનું ઘર હોવાથી એમને બધા પૈસા સીધા બચવાના જ હતા. એટલે એણે આ ઓફરને સ્વીકારી હતી જેથી એ પૈસા મોકલાવી પરિવારને સહાયતા કરી શકે.

( ક્રમશ : )

લઘુ નવલ – ઇટ્સ નોટ માય ફોલ્ટ
લેખક – સુલતાન સિંહ ‘જીવન’
બ્લોગ – https://vichaarvrund.wordpress.com/

Advertisements