‘હાય સુલતાન સિંહ, સાંભળ્યું છે તમે અધ્યાત્મ વિશે ઊંડા મર્મ, ગીતાના ચિંતન અને કૃષ્ણના વર્ણન તેમજ રાધાના પ્રેમ વિશે પણ સારું એવું લખો છો.’ એણે આવતાની સાથે જ મને કહ્યું.

‘હવે તો મને પણ લાગે છે, કે ખરેખર હું કાંઈક તો લખી જ શકું છું.’ હું થોડુંક અમથું અને જુઠ્ઠું હસ્યો.

‘એટલે અત્યાર સુધી નોહતું લાગતું એમ…?’
‘મને તો ક્યારેય મારા લેખક હોવાનો ભાસ થયો જ નથી…’
‘તો આજેજ થયો એમ…?’
‘આજે પણ ક્યાં…? બસ એટલું સમજાયું મને આજ, કે હું કાંઈક લખવા ઈચ્છુ તો લખી જરૂર શકું.’ મેં ચોખવટ કરી.

‘કેમ એવું…?’ એણે અકળાઈને પૂછ્યું.
‘તમે જ તો કહ્યું કે, તમે જે મુજબ સાંભળ્યું છે. એ મુજબ હું પણ સારું લખી શકું છું.’

‘મુદ્દાની વાત તો રહી જ ગઈ. મારે થોડુંક અધ્યાત્મ વિશે જાણવું છે.’
‘સરસ… પણ એમાં હું શું કરી શકું. હું ક્યાં આધ્યાત્મિક વ્યક્તિ છું.’

‘તો…?’
‘હું તો તદ્દન નાસ્તિક માણસ છું. મારી સલાહ લઈને તમે શું શીખી લેવાના વળી.’

‘કેમ તમારી શીખ ન લેવાય.’
‘હું એમ કહું કે કાલથી મંદિરે જવાનું અને ધૂપ દીપ અગરબત્તી કરવાનું છોડી દો તો તમે એ કરશો…?’

‘ઓફકોર્ષ નો… પણ, મને વિશ્વાસ છે તમે કૃષ્ણને માનો છો એટલે એવું ન કહી શકો.’
‘તો તમારો વ્યુ તદ્દન ખોટો છે.’

‘ઓકે… ઓકે…’
‘હવે સમજાયું ને તમે કૃષ્ણને જાણવાની જે મારી વાતો સાંભળી એ અફવાઓ જ છે.’

‘હજુ શ્યોર નથી.’
‘તો ખાતરી કરી લ્યો ને… હું તો હાલ સામે જ છું.’

‘ઓકે હું અમુક પ્રશ્નો પૂછું એનો જવાબ આપો.’
‘શરૂઆત કરો…’

‘તમે કૃષ્ણને કેટલા જાણો છો.’
‘૫૦૦ કે ૭૦૦ જેટલા કૃષ્ણને તો અંગત જાણું છું. બીજા ઘણા બધાને જાણવાના બાકી છે.’

‘૫૦૦ કે ૭૦૦…???’
‘હા કેમ…?’
‘હું કૃષ્ણની વાત કરું છું. અને એ માત્ર એક જ હતા.:
‘એ તમારો અંગત મત છે.’

‘આ કૃષ્ણને તમે કેટલા ઓળખો છો.’ મહોતરમાં બરાબર કંટાળ્યા હોય એમ ગાળામાં ભરાવેલા તાવીજ પર કૃષ્ણના અકારવાળું પેન્ડન્ટ બતાવીને પૂછવા લાગ્યા.

‘જરાય નહીં…’
‘તો તમે કેમ લખો છો, એમના પર…?’
‘હું તો મારા કૃષ્ણ પર લખું છું. તમારા ગાળામાં પહેરેલા કૃષ્ણ પર નહીં.’

‘કેમ… એ તો સોનાનું કટકું છે, એમાં કૃષ્ણ ક્યાં…?? મને તો તમારામાં જે કૃષ્ણ દેખાય છે એને જોઈને સહજ હાસ્ય ઉપજે છે.’

‘હે…!!!’
‘હા… પણ કેમ??’

‘હું સ્વયં તમને પૂછું કે સુલતાન કોણ છે તો તમને એવું હાસ્ય સહજ ન આવે…?’
‘હા… મૂર્ખાઈ જ તો કહેવાય.’
‘એજ મૂર્ખાઈ તમે કરી રહ્યા છો.’
‘કણ કણમાં વસતા કૃષ્ણને તમે અંદાઝે ત્રણ મણનાં શરીરમા લઈને ફરવા છતાં સોનાના નાનકડા કણોમાં એને શોધો છો.’

‘ઓકે… છેલ્લી વાર કહો કે તમે કૃષ્ણને કેટલા ઓળખો છો…?’
‘તમે ઓળખો છો એટલા જ બસ આપણા સંદર્ભો જુદા છે.’

‘હું એમ કહું કે હું નથી ઓળખતી જરાય તો…?’
‘હું પણ જરાય નથી ઓળખતો…’
‘કારણ…?’
‘જે ઓળખાતા જ નથી એમને સમજાવવા હું ખોટો પ્રયત્ન શા માટે કરું…’

‘હું એમ કહું કે હું ઓળખું છું તો…?’
‘હું પણ ઓળખું છું.’
‘કારણ…?’
‘જે ઓળખે જ છે એને સમજાવવાની મારે પમ કોઈ જરૂર જ નથી…’

‘સત્ય…’
‘આભાર…’

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૬, ૨૭ જૂન ૨૦૧૭ )

#krushn #sultan #someone #know #radha #devotional #angat

Advertisements