પ્રશ્ન નં – ૧૨ ; તમે કૃષ્ણને કેટલા ઓળખો છો…?

જવાબ – સૌપ્રથમ એ જાણવું જોઈએ કે આ પ્રશ્ન વ્યાજબી છે કે નહીં. ખરેખર આ પ્રશ્ન પોતે જ વ્યાજબી અર્થ ધરાવતો નથી. કારણ કે જ્યારે માપ હોય ત્યારે વાત માત્ર અને માત્ર વાસ્તુનિષ્ઠ બનીને રહી જાય છે. અને કૃષ્ણ કોઈ વસ્તુ નથી. કે તમને અડધો અધૂરો અને ૪૦, ૫૦, કે ૬૦% સમજાઈ જાય.

કેટલી વિચિત્ર વાત લાગે જ્યારે કોઈ તમને કહે કે હું કૃષ્ણને ઓળખાવા લાગ્યો છું, સમજવા લાગ્યો છું, મને કૃષ્ણ ગમવા લાગ્યો છે, હું એના પ્રેમમાં છું, અહા કેટલા વાક્યો હોય એની પાસે કૃષ્ણની માયા દર્શાવવા પણ, વાત અહીં માત્ર શરૂ થાય છે. વાસ્તવિક પરિસ્થિતિ તો એને પૂછ્યા પછી જ સમજાય કે એણે કેટલો ઓળખ્યો છે કૃષ્ણ ને… જો માપસર એનો જવાબ કોઈ પ્રમાણમાં હોય તો એ હજુ કોઈ ભવ્ય મહેલના છેક બહારના દરવાજે છે. અંદરની માયા હજુ એણે જોઈ કે સમજી અથવા કલ્પના સુધ્ધાં નથી કરી.. એને સમજવા માપ ક્યાં કોઈ બનાવી શક્યું છે, એતો અનંત છે, શબ્દોની પાર છે, વ્યાખ્યાની પેલે પાર, વિચાર શક્તિની આરપાર, અને દુનિયાથી દુર છતાં કણકણમાં થતો પસાર છે. એ આકાશ છે, પાતાળ છે, પ્રેમ છે, નફરત છે, ચોર છે, લુચ્ચો છે, લફંગો છે, છતાં એ જ આધાર છે. અને વરસતો અનરાધાર છે.

કૃષ્ણની મારા મતે બે જ વ્યાખ્યા છે. અને બંને વ્યાખ્યા માત્ર બે શબ્દોમાં હું આપી શકું. એ છે

પ્રેમ
અને
સ્વીકાર.

વ્યાખ્યા નંબર ૧ મુજબ –
કૃષ્ણ એ સ્વીકાર છે. અને સ્વીકાર ક્યારેય અડધો અધૂરો ન હોઇ શકે. સ્વીકાર હંમેશા પૂર્ણ જ હોય. સ્વીકારની માત્રા હોઈ જ ન શકે. સ્વીકાર પોતે જ કોઈ પણ ક્ષેત્રમાં પૂર્ણતમ હોવાનું આદર્શ માપ છે. મેં તારો સ્વીકાર કર્યો. આ વાક્ય ક્યારેય ટકાવારીમાં ન હોય એ વાક્ય માત્ર અને માત્ર સંપૂર્ણ સ્વીકાર હોય અને જ્યારે એમાં ટકાવારી આવે ત્યારે એ સંધી અથવા કરાર બની જાય છે. રહી વાત પ્રમાણ માપોની તો, શુ રામે પિતાના વચનનો અડધો સ્વીકાર કરી વનવાસ ૭ વર્ષ કરાવ્યો હતો, શુ કૃષ્ણ ૫૦% રાધાને છોડી શક્યા હતા…?, શુ મહાભારતના યુદ્ધમાં કોઈના પક્ષમાં લડવા માટે કૃષ્ણે ટકાવારીમાં વાતને સ્વીકારી હતી, શુ કૃષ્ણે કંસને મારવાની જવાબદારી ટકાવારીમાં સ્વીકારી હતી કે ૭ ગડદા હું મારું ને ૭ બલરામ, શુ રુકમણીનો સ્વીકાર ટકાવારીમાં કર્યો હતો, શુ માતા ગંધારીનો શ્રાપ કાનાએ ટકાવારીમાં સ્વીકારી તથાસ્તુ કહ્યું હતું…? દરેક પ્રશ્નનો જવાબ છે માત્ર ના.. બધા જ પ્રશ્નો સંપૂર્ણ અવાસ્તવિક છે. છતાં લોકો આજના યુગમાં આ કરે છે, એટલે પ્રશ્ન હોવો પણ સ્વાભાવિક છે. સ્વીકાર અધૂરો હોઈ જ ન શકે પછી ઉપરમાંથી કોઈ પણ હાલત કેમ ન હોય. એટલે કૃષ્ણ પણ ટકાવારીમાં સમજવા જઈએ તો અવાસ્તવિક જ સમજાય બાકી એની માયા તો અનંત છે, એટલે કે તમારી ભાષામાં એ પોતે જ મોહમાયા છે…

વ્યાખ્યા નંબર ૨ મુજબ –
કૃષ્ણ એ પ્રેમ છે. અને પ્રેમ તત્વ જ સંપૂર્ણતાનું પ્રતીક છે. જેમ સ્ત્રી પુરુષ વગર પૂર્ણ નથી, પુરુષ સ્ત્રી વગર પૂર્ણ નથી એજ પ્રકારે પૃથ્વી પરનું જીવન પ્રેમ વગર શક્ય નથી. પ્રેમ જ શરૂઆત છે જીવનની અને પ્રેમ જ અંત છે. છતાં પણ જીવનની દડમઝલ પણ પ્રેમનો જ પથ છે. પ્રેમ વગર અસ્તિત્વ શક્ય નથી. કુદરતનો માનવતા સાથે પ્રેમ એજ અન્ય ગ્રહોની તુલનામાં પૃથ્વીને જીવાવરણ પૂરું પાડે છે. અને આ પ્રેમ અધૂરો નથી હોતો એની અધૂરામાં કલ્પના કરી જ નથી શકાતી. રાધા કૃષ્ણ વચ્ચે ક્યારેય પ્રેમમાં ટકાવારી ન હતી, જશોદા અને કૃષ્ણ વચ્ચે, ગોપીઓ અને કૃષ્ણ, પટરાણીઓ અને કૃષ્ણ, સુદામા અને કૃષ્ણ, દ્રૌપદી અને કૃષ્ણ, અર્જુન અને કૃષ્ણ, કુંતી અને કૃષ્ણ, દેવકી અને કૃષ્ણ, વાસુદેવ અને કૃષ્ણ, બલરામ અને કૃષ્ણ, રુક્મિણી અને કૃષ્ણ, યમુના અને કૃષ્ણ, વાંસળી અને કૃષ્ણ, તથા સચરાચર વિશ્વ અને કૃષ્ણ વચ્ચે ક્યારેય પ્રેમ ટકાવારીમાં નથી માપી શકાયો. કૃષ્ણનો પ્રેમ સદાય પૂર્ણ હતો. અને પ્રેમ હતો એટલે જ કૃષ્ણ પણ પૂર્ણ હતો એમ પણ કહી શકાય. કૃષ્ણ પોતે જ પ્રેમ છે તો પછી કૃષ્ણનો પ્રેમ માપમાં કેવી રીતે હોઈ શકે.

આટલું બધું સમજ્યા પછી તમને સમજાઈ ગયું હશે કે માપમાં સમજાયેલો કૃષ્ણ ખરેખર સમજાયો જ નથી. પણ આ શરૂઆત છે અને શરૂઆત માટે કોશિશ સારી છે. હવે આ માપ પટ્ટીઓ અને ત્રાજવા કિનારે કરી દો અને ગણિતમાંથી બહાર નીકળીને પ્રકૃતિમાં એને શોધો, પ્રેમમાં શોધો, માટીમાં શોધો, માટીના બનેલા શરીરોમાં શોધો, માનવતામાં શોધો… કૃષ્ણ મળશે જરૂર મળશે. મને મળ્યો છે તો તમને પણ મળશે… અપૂર્ણ કે સંપૂર્ણની ચિંતા મેં કદી કરી નથી એટલે મને મળ્યો છે. એ ભલે ને વહેમ જ કેમ ન હોય પણ મને એ વહેમ પણ અનંત મળ્યો છે.

હવે તમારા મનમાં આવતો બીજો સવાલ કે જો પ્રશ્ન વ્યાજબી નથી તો પુછાયો કેમ…? તો આનો જવાબ છે કે મને પણ કોઈકે આવો વિચાર સૂચવ્યો હશે એટલે જ મને પણ વિચાર આવ્યો કે બીજા પણ આવા નમૂના જરૂર હશે જેમણે કદાચ ટકાવારીમાં કૃષ્ણને ઓળખ્યો હોય. ખેર જવાબો ઓછા જ મળ્યા ટકાવારીના એટલે ઠીક. પણ સવાલનું વાજબી હોવું જરૂરી નથી વાજબી હોવું તો જવાબનું જરૂરી છે. બિનજરૂરી વ્યક્તિ ચુનાવ લડે તો એ વાજબી પગલું જ હોય પણ સર્વાનુમતે એ ચૂંટાઈ પણ જાય ત્યારે પ્રજાનો જનાદેશ એ સમયે અવ્યાજબી ગણાય છે. ચૂનાવી વ્યક્તિ નહીં.

કેટલાક યોગ્ય લક્ષણો કે જ્યારે તમને કૃષ્ણ સમજાઈ રહ્યો છે એવું લાગે… (હજુ શરૂઆત છે.)

~ તમે મોહમાયા માંથી છટકી રહ્યા છો કા’તો એમાં પટકાઈ રહ્યા છો.

~ તમે પ્રેમમાં છો. (પ્રેમ માટે ઉપર દર્શાવ્યું એ સ્થિતિ હોય તો જ પ્રેમ બાકી મતલબમાં કૃષ્ણ ન હોય)

~ તમે અધર્મી બની રહ્યા છો. ( અધર્મી એટલે કે કોઈ એક ધર્મમાં ન બંધાતા વ્યક્તિ. જેનો માણસાઈ સિવાય કોઈ ધર્મ નથી હોતો.)

~ તમે દરેક વસ્તુ સ્વીકારી શકો છો (માપસર નહિ પણ ઉપરની સ્પષ્ટતા મુજબ)

~ તમે પ્રવર્તમાન ધર્મને સ્વીકારવાની હા પણ નથી પડતા કે ના પણ નથી પડતા, એટલે કે તમે તટસ્થ છો.

~ તમે જો પોતાને હિંદુ માનવાની અહમ વાદીતા ધરાવો છો તો કૃષ્ણને નથી જ ઓળખાતા કારણ કે કાનાએ કોઈ ધર્મને સ્વીકાર્યો નથી કે બનાવ્યો નથી.

~ તમે સ્ત્રી તત્વનું પણ સન્માન કરવા લાગ્યા છો. (તમારી એક GF છે કે ૧૬૦૦૦ એનાથી મતલબ નથી પણ દરેક તમારા માટે પૂજનીય કક્ષાની હોવી જોઈએ.)

~ તમે નિષ્પક્ષ છો. (જાતિવાદ, ધર્મવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, વાતવિવાદ જેવા બધાજ પૂર્વગ્રહોથી મુક્ત છો.)

~ તમારે માટે વૈરાગ્યનો અર્થ ભાગી છૂટવું નથી તો જ, ભાગવાનો અર્થ ક્યારેય સન્યાશ કે વૈરાગ્ય નથી. કારણકે જીવનનું કોઈ ચોક્કસ પ્રમાનમાપ હોઈ જ ન શકે. ( નોંધ – અહીં પંથની વાત થાય છે એટલે બધા સન્યાસી કૃષ્ણને નથી ઓળખાતા એવું વિચારવાની જરૂર નથી. જૂનાગઢ અને ત્યાંની અગોચર દુનિયા એની સાબિતી છે.)

~ તમને એવું લાગતું હોય કે તમે હજુ કૃષ્ણને પામી જ નથી શક્યા. (કારણ કે જીવનની શરૂઆત જન્મ અને અંત મૃત્યુ છે. એટલે મધ્યાનતર જેવો મજાનો કોઈ સમય જ નથી. તો ઓળખી ગયા છો એ અંતની માયા છોડી હજુ સમજુ છું એ મધ્યમાં રહો તો જ મઝા છે.)

●● -: Fast Facts :- ●●

હવે તમને લાગશે કે હું કૃષ્ણને સમજ્યો જ નથી. તો હા કૃષ્ણ પોતે જ એક મોહમાયા છે. એ ન રાધાનો છે, ના રુકમણીનો, ન જાસોદાનો છે, ન નંદલાલનો, ન દેવકીનો, ન વસુદેવનો… એ કોઈનો નથી છતાં બધાનો છે.

લાસ્ટ વાક્ય કદાચ કૃષ્ણ વિશે જે હું સમજ્યો છું.
‘હું કોઈનો નથી છતાં હું સૌનો છું.’

બીજું વાક્ય જે હું પર્શનલ રીતે મારા અસ્તિત્વ માટે સ્વીકારી શક્યો છું.
”હું ખુલ્લો માણસ છું. જે છું એ હાલ તમારી સામે છું. આગળ કે પાછળ મારુ કોઈ અસ્તિત્વ નથી હોતું.”

[ ફેસબુક દ્વારા ચાલતી મારો સવાલ સિરીઝ અંતર્ગત સવાલ નંબર ૧૨ નો જવાબ ]

#મેરાસવાલ
#સુલતાન
#કૃષ્ણલીલા

~ Sultan Singh ‘jivan’
[ 10 april, 2017 ]

Advertisements