૩૬૫. એ પણ મારાથી દૂર જઇ રહી છે..
―――――――――――――――――――――――――――
સાવ એકાંતના ઓળાઓ હવે,
ધસમસતા પ્રવાહની જેમ,
મારી કુંઠિત મુક્તતા તરફ,
તરાપ મારીને આવતા અજગરની જેમ,
આગળ વધતા દેખાય છે,
હું એકલો છું હવે… સાવ એકલો…
અને એ પણ મારાથી દૂર જઇ રહી છે…
હવે કોઈ નથી… એકાંત સિવાય…
એ પણ નહીં…!!
કદાચ હોય પણ કેમ…?
એની પણ એક અલગ દુનિયા છે,
અલગ વાસ્તવિકતા,
અલગ વ્યક્તિત્વ અને અલગ…
હા… બધુજ
કદાચ મારા કરતાં તદ્દન અલગ છે…
એ એના જીવનમાં સ્થાયી થઇ રહી છે,
અને કદાચ હું મતલબી થઇ રહ્યો છું.
એ અલગ છે મારા કરતાં…
કદાચ…!!
એટલે જ હવે સાવ અમસ્તા મને છોડીને,
જાણે કે હળવેકથી પરાઈ થઈ રહી છે,
હવે તો એ પણ મારાથી દૂર જઇ રહી છે…
સાક્ષી છે અંદરની ઉથલપાથલ,
વિચારોના મહાસંગ્રામ,
અને લાગણીઓના ચિત્કાર,
એને રોકી લેવા મારુ હૃદય હવે ઝૂરી રહ્યું છે,
પણ… હવે… હું એને કેમ રોકુ…?
મારા માટે…? ફક્ત મારા મતલબ માટે…?
ના…!! હું એવું નહીં કરી શકું…!!
એની અલગ દુનિયા છે મારા સિવાય…
એ જમીનની દુનિયામાં ધૂળ થઇ રહી છે,
લાગે છે, એ પણ મારાથી દૂર જઇ રહી છે…
કહેવા એને વ્યથાઓ પછડાય છે અંદર…
કોઈક ખૂણામાં સદંતર એજ વેદનાઓ,
અછડાય છે, અને આ એકાંત પાછો મને જ,
આવીને સીધો અફળાય છે,
એની વેદનામાં દુનિયા ચકનાચુર થઇ રહી છે,
છતાં હવે તો એ પણ મારાથી દૂર જઇ રહી છે,
એની યાદો ભાલાની જેમ ભોકાય છે,
તોય ક્યાં હવે સાંભળવા દર્દ એ રોકાય છે,
પરવા હશે ને એને મારી…?
એવા સાવ અનિશ્ચિત સવાલો થાય છે,
કદાચ એની દુનિયા એને દૂર લઇ જાય છે,
આ સપના પાછા ધૂળમાં હવે રોળાય છે,
કારણ ઊંઘ પણ હવે તો રજા લઈ રહી છે,
લાગણીઓ આંખોને સજા દઈ રહી છે,
અને કણસતા હાલે મને છોડીને,
એ પોતાના એકાંતમાં સમાઈ રહી છે,
હવે તો એ પણ મારાથી દૂર જઇ રહી છે…
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૪૭ રાત્રી, ૨૯ માર્ચ ૨૦૧૭ )
―――――――――――――――――――――――――――
© Poem No. 365
Language – Gujrati
―――――――――――――――――――――――――――