વીતેલો એ ભવ્ય


Published on

તારી બહુ યાદ આવે છે… – ભાગ – ૧

વીતેલો એ ભવ્ય,
ભૂતકાળ પણ હવે,
તારી યાદોમાં ભીંજાઈને,
શ્રવણી ઝાપટાની જેમ ,
વારંવાર મારી,
આંખોની સામે ઓચિંતા જ,
જાણે કે કોરા પડદા,
પર ચાલતી કોઈ,
ફિલ્મની જેમ દોડી આવે છે,
સાચું કહું ને તો, ‘જીવન’
આજકાલ છે ને,
મને પણ તારી બહુ યાદ આવે છે,

પહેલાની જેમ હવે તો,
રોજે રોજ તને,
નિહાળવાની એ ઈચ્છાઓ,
પણ જાણે કે,
જીવંત થઈને વારંવાર,
મને સતાવે છે,
જાણે કે,
જાણે કે, તારા હોવા પણાનું,
એ આવરણ વારંવાર મને,
એકલો છું ને, એવુ જતાવે છે,
સાચું કહું ને તો, ‘જીવન’
આજકાલ છે ને,
મને પણ તારી બહુ યાદ આવે છે,

નથી જોઈતી કોઈ પણ,
આર્થિક સંપદાઓ,
અથવા તારા દેહનો ખજાનો,
બસ તારી અનુભૂતિના,
એ અનંત સાગરોમાં,
એકાદ વાર,
ડૂબકી લગાવવા કાજે,
દિલ લાગણીઓને તરસાવે છે,
કદાચ તો એટલે શુધી કે,
સપનાઓમાં પણ તારા હોવાનું,
મૃગજળ જ મને વારંવાર ભરમાવે છે,
સાચું કહું ને તો, ‘જીવન’
આજકાલ છે ને,
મને પણ તારી બહુ યાદ આવે છે,

તું હતી અને જાણે,
અંતરદેહી સૃષ્ટિની પ્રકૃતિ,
લીલોતરીમાં નયનરમ્ય,
અને
આહલાદક લાગતી હતી,
પણ, હવે તો…
તારી ગેરહાજરી પણ હૃદયના,
બાગોને સુમસાન બનાવે છે,
કદાચ તો તારા વગર મારુ,
અહીં કોઈજ હવે નથી,
એવા વાયરાઓ ને વહાવે છે,
સાચું કહું ને તો, ‘જીવન’
આજકાલ છે ને,
મને પણ તારી બહુ યાદ આવે છે,

તને ભૂલી જવું હવે,
સાવ… એટલું તો,
સરળ પણ ક્યાં રહ્યું છે,
એકાંતમાં હોઉં છું ને,
ત્યારે પણ મને,
તારા જ આસપાસ,
હોવાના સાવ જુઠ્ઠા જ વિચારો,
મનને હરખાવે છે,
દુઃખી તો સાવ ત્રસ્ત નથી હું,
છતાંય લાગણીઓ વારંવાર,
દીલને દુભાવે છે,
સાચું કહું ને તો, ‘જીવન’
આજકાલ છે ને,
મને પણ તારી બહુ યાદ આવે છે,
———————————————
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૮:૩૮ રાત્રે, ૧૨/૦૨/૨૦૧૭ )

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Website Powered by WordPress.com.