૩૦૦. આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?
———————————————
પ્રેમની વ્યાખ્યા શુ…?
અધૂરી તમન્નાઓનો સરવાળો,
કે,
વ્યથાઓની બાદબાકીનો
અધૂરો છૂટેલો દાખલો,
અથવા,
એક કપમાં પીધેલ કોફી,
અને,
એક જ સ્ટ્રો દ્વારા,
બંને બાજુથી,
ખેંચાયેલ ડ્રીંક,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શુ…?

મૂળ તો,
વફાઓની ગણતરીઓ જ ને,
કે પછી,
બેવફાઈ અંગેની ધારણાઓ,
અને વિભાવનાઓ,
અસ્વીકારની ઈચ્છાઓ,
કે પછી,
માત્ર,
સ્વીકારના પંથે દોડતો પથ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શુ…?

બાળપણમાં,
આંગળી પકડીને નાની નાની,
પગલીઓ ભરતી વખતે,
અપાયેલી,
આંગળીઓનો સહારો,
કે પછી,
રો-કકળાટ કરતા નાનપણમાં,
માંના ખોળામાં લાપતા,
થયેલ એ,
બાળકનો આનંદ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

પતરી દ્વારા કરાયેલા ચીરા,
કે સળગતી સિગાર દ્વારા,
દીધેલા ડામ,
કે પછી,
ક્યારેક ટેટુમા કોતરેલું,
મરોડદાર વિદેશી અક્ષરે,
લખાયેલું એનું નામ,
જરૂરી નથી ને…?
જણાવવું,
છતાં હાથમાં હાથ રાખી,
કહેવું,
હું તને ચાહું છું,
કદાચ મારાથી પણ વધુ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

ઓનલાઈન હોય જ નહીં,
તેમ છતાંય,
એના પ્રોફાઇલને,
વારંવાર કારણ વગર,
જોતું જ રહેવું,
કે,
જુના મેસેજ વાંચવા,
અને,
બ્લોક હોવા છતાં,
એના જ મેસેજની રાહ,
જોયા કરવી,
ક્યારેક તો એને ઓનલાઈન,
જોઈને,
પરમાનંદની પ્રાપ્તિ,
જેવો અહેસાસ..
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

કદાચ સહેજ અમથી જ,
પડી જતા આવેલી ખરોચ,
અને,
આંખોમાં આંસુઓ,
અને… એ ઘાવ પર,
બાજેલું ટીંપૂ લોઈ,
કે પછી,
એ જરીક વેદનાને,
ખાળવા બેબાકળો બનીને,
દરેક દવાખાને,
પાગલોની જેમ જ,
ડોક્ટરોને સાજા કરવાની,
વિનંતી કરતો જીવ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

એક જ ચોકલેટ,
અને બન્ને કિનારે ભરાયેલ,
બાઇટ્સ,
કે,
અડધા કટકા માટેની,
ફાઇટ્સ,
અથવા,
કોઈ પ્રકારના વિવાદ,
વગર સહમતી હોય આપવાની,
એક બીજાને,
રાઇટ્સ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

હાથની અનામિકા આંગળીમાં,
પરોવાયેલી અને,
હૃદય સુધી પથરાયેલી નસમાં,
પહેરાવેલી,
એ સોનેરી કોતરાયેલી,
મોંઘી વીંટી,
કે પછી,
બહેન દ્વારા ક્લાઈ પર,
રક્ષા માટે બંધાયેલી,
સાવ અમસ્થા ધાગા,
વડે બનાવેલી,
પ્રેમની એ રક્ષા પોટલી,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

ક્યારેક સાવ,
ઓચિંતા આવીને કોઈકે,
ગાલ કે હોઠના,
શુષ્ક ટેરવા પર,
કરેલું ચુંબન,
કે પછી,
માથાની ભૃકુટી પર,
વાત્સલ્યનું મુકાતું એ,
માતાએ કરેલું,
સ્નેહ નીતરતું,
ચુંબન,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

મારે તારી સાથે વાત જ,
નથી કરવી ક્યારેય,
એવા,
અમસ્થા અને,
ક્યારેક ગુસ્સામાં,
કહેવાયેલા શબ્દો,
ને… પછી…
સામે પડી કરેલા કોલમાં,
બોલતા શબ્દો,
મને માફ કરજે ને,
વધુ જ બોલી જવાયું,
હશે…. સોરી…
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

કોઈની આંખોમાં જોઈને,
એના દિલના ભાવો,
સમજવા,
કે પછી,
એના હાથને પોતાના,
હાથમાં લઈને,
ધીરેથી કહેવું,
હું છું જ તારી સાથે,
દરેક પળે આ જીવનમાં,
તારી ખુશીમાં પછી,
અને દુઃખમાં પહેલા,
પણ,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

સાવ ઓચિંતા જ,
વણઉકેલાયેલા સૃષ્ટિના,
રહસ્યની જેમ જ,
અજાણ પણે,
કોઈકના દિલમાં ધડકતું,
થઇ જવું,
અને પછી એકે એક,
ધબકમાં ગુંજી ઉઠવું,
અને,
એના સાનિધ્ય માટે,
મુંજાવું, ઉદાસ થવું,
અને યાદોમાં ખોવાઈ જવું,
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

ન સમજાતી,
છતાં અનુભવાતી,
લાગણીઓ,
ભાવનાઓ,
અને સંવેદનોની,
આ ઉછળકુદનો સરવાળો,
એટલે પ્રેમ,
મારા માટે પણ આ સંસાર,
અને દુનિયા માટે તો,
અકબંધ છે ને આ પ્રશ્ન તો…
કે…
આખર આ પ્રેમની વ્યાખ્યા છે શું…?

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૦૮ રાત્રે, ૨૯ ડિસેમ્બર ૨૦૧૬ )
———————————————
© Poem No. 300
Language – ગુજરાતી
———————————————

Advertisements