માં નો પત્ર…

                   ઘરડા ઘરમાં બેઠેલી માં નો પોતાના દીકરાને પત્ર...


વ્હાલા વિજય,

        કદાચ ગણા દિવસો બાદ તને પત્ર લખી રહી છું. મારા હાથમાં હવે એટલું જોર નથી અને લખી શકવા જેટલું જ્ઞાન પણ જેથી કે હું રોજેરોજ પત્ર લખી શકું. આશા રાખું તું અને બીજા બધા કુશળ મંગળ હશો. પાછલા દિવસોમાંજ તારા પિતાનું શ્રાધ હતું કદાચ તમને યાદ ના પણ હોય. મેં એ પાળ્યું હતું. મારી દીકરી સમાન એક છોકરીની મદદ વડે મેં જીવજંતુઓને અને કાગડાઓ જમાડ્યા પણ હતા. કદાચ અહી આવ્યા પછી પણ એણે મારા સંતાનની કમી મને કદીયે સાલવા દીધી નથી આ પત્ર પણ બેટા એની પાસેજ લખાવ્યો છે.

        પાછલા સાતેક વર્ષથી હું અહીજ છું એ વાત મારે તને કદાચ જાણાવાની જરૂર નથી તું પણ એ જાણતો હોઈશ તેમ છતાં આટલા વર્ષોમાં કેમ આજે જ તને પત્ર લખ્યો એ પ્રશ્ન પણ દીકરા તને જરૂર મુંઝવતો હશે. તને ખબર છે કુદરત કાળનો કોળીયો બનતા વ્યક્તિને પણ કદાચ કાયદાકીય રીતે ફાંસીના માંચડે ચડતા કેદીને આખરી ઈચ્છા વ્યક્ત કરવા માટેનો અવસર સમાન તક આપે છે. કદાચ મને પણ એજ તક મળી હોય એવું લાગી રહ્યું છે, અને બની શકે મારો પત્ર પહોચતા પહેલા યમરાજ આવી ચડે ને એ છેલ્લી ઈચ્છાની પળ પણ ખલાસ થઇ જાય અને મને સહેજેય ખબર પણ ના પડે. મારે આજે તને મનની કેટલીક વાતો કરવી છે. મારે મારી એ દીકરીનો પણ આભાર માની લેવો છે જેણે મારા માટે સાત સાત વર્ષ સુધી કોઈ તકલીફ ના પડે એની તાકીદ લીધા કરી છે. એણે પણ દીકરા તારાજ નિયમિત મનિઓર્ડરના જેમ પોતાને મળતા સમયમાંથી મને સમયસર આખા આખા દિવસની નીરાંતો આપી છે.

        મહિનાની દરેક છેલ્લી તારીખ આવતાની સાથેજ આ વૃદ્ધાશ્રમમાં જાણે પગાર તારીખ આવી હોય એવો કર્મચારીઓ જેવો કોલાહલ મચી જાય છે. દરેકને એકાદ દિવસ પોતાના દીકરા અને સગાઓના ફોન અને પત્રો મળે છે. મેં પણ તારા પત્રો અને સંદેશાની રણમાં મૃગજળની સમાન કાગડોળે રાહ જોયા કરી છે પણ ૭ વર્ષના એ ૫૬ મહિનામાં ક્યારેય એવો અમથો કાગળ પણ નથી આવ્યો. દરેકની આંખોમાં એ સમય દરમિયાન પરિવારની યાદોના ઝળહળિયા ઉપસી આવતા જોયા છે મનેય રોઈ લેવાનું મન થાય છે બેટા ક્યારેક પણ, બધા જેમ માં-બાપને દુખી કરે એવો તું નથી. તું ખરેખર મને જરાય દુખી કરવા નથી માંગતો એટલેજ તું મને પત્રો નઈ લખતો હોય. અને તારા એ મોઘાભાવના મોબાઈલમાં કદાચ આ વૃદ્ધશ્રમનો સસ્તો નંબર સેવ પણ નઈ થઇ શકતો હોય બાકી તું મને યાદ કાર્ય વગર રહીજ ના શકે એનો મને વિશ્વાસ છે. તને ખબર છે તારા પિતા હમેશા એમના ગયા પછી મારા જીવનમાં શું થશે એનીજ ચિંતાઓ કરતા રહેતા મને કહેતા લીલા તું ભોળી છે તું મારા ગયા પછી શું કરીશ? કેટલા નાસમજ હતા ને દીકરા એ પણ હું એમને કહેતી કે આપણો દીકરો હવે ડોક્ટર થઇ ગયો છે હવે આપણને કોઈ મુશ્કેલી પડવાની નથી. હવે આપણા જીવનમાં ખુશીઓના દિવસો આવાના છે. અને એ મરકતા રહેતા કોણ જાણે કેમ મને એ સ્મિતનો અર્થ કદી સમજાયો ના હતો પણ એમના શબ્દો જરૂર મને યાદ છે એ કહેતા ‘લીલા ભગવાન હમેશા મારી કમી નહિજ આવવા દે’ અને જો, સાચેજ એમના આશીર્વાદ અજેય અહી શ્રેયાના સ્વરૂપે જાણે મારી સાથે છે. કદાચ તને કામમાંથી ફુરસત નથી હોતી દીકરા પણ મારો છેલ્લો સંદેશો વાંચવા તું જરૂર સમય કાઢીશ એનો મને વિશ્વાસ છે.

        ઘણીવાર મેં વૃદ્ધાશ્રમની સુની સીડીઓ પર બેસીને તારા આવવાની રાહ જોયા કરી છે. મારી આંખોમાં બેટા દુકાળમાં વર્ષાની જેટલી તડપ હોય એટલીજ તડપ વ્યાપી જતી હતી. દરેકના સબંધીઓ મહિનામાં એકવાર એમને મળવા જરૂર આવતા અને છુટા પડતી વેળા આભ ફાટી પાડવા જેટલા આઘાતથી રડી પડતા. એ લોકો અલગ થતી વખતે ખોબે ખોબે આંશુ વહાવતા ને હું બસ બધું નજોયા કરતી, ક્યારેક વિચારતી પણ ખરા કે તું પણ આવેતો દીકરા હુંય તને વળગીને આમજ ખોબે ખોબે રડી લઉં. મારા મનમાં કોઈ દુઃખ છે એટલે નઈ પણ મારો દીકરો મારી કાળજી લેવા આવે અને એના ખભા પર માથું મુકીને રડવાના અવસરથીયે મારી આંખો ભરાઈ આવે. પણ હું રડી પડું તો તારાથી મારા આંસુ કેમ સહેવાય દીકરા કદાચ એટલેજ તું નહિ આવતો હોય. પણ દીકરા કદાચ મારા અંતિમ સમયે તું જરૂર મને કાંધ આપજે તારી કસમ દીકરા તને દુઃખ પહોચે એવું હશે તો હું એક આંસુ પણ નહી સરવા દઉ કે જેથી તને વેદના થાય. કારણ કે દીકરા તું ખુશના હોય તો મારાથી કેમનું સ્વર્ગના માર્ગે ચાલી સકાય. તારી આંખે સારેલું એક એક આંસુ મારા માર્ગે તેજાબ થઈને પથરાય અને મને ચાલવામાં તકલીફ પડે. અને તું પણ ક્યાં નથી જાણતો દીકરા હવે આ ઉમરે તારી માના શરીરમાં ક્યાં એટલી શક્તિ છે.
 
         આજે પણ એ દિવસો દીકરા યાદ આવી જાય છે જયારે ગામડાની ગલીઓમાં તું પ્રથમ વખત ડોકટરનો વેશ પહેરીને શહેરથી મને મળવા આવેલો ત્યારે લોકોના ટોળા તને જોવા ઉમટેલા ને તારા બાપને પેલા મુખીએ મેણું મારેલું કે ‘જો લાલજી તારો દીકરો બાપદાદાની મિલકત વેચાવીને ડોક્ટર બન્યો છે. આખું ગામ તારા પિતા પર હસ્યું પણ તને યાદજ હશે એમને શું કહેલું ‘સાંભળો મુખીબાપા મારી મિલકત તો મારો દીકરો છે અને મારી દીકરાના શરીર પર છે એ એના માટે બાપદાદાની મિલકત છે’ આખા ગામના લોકો ચુપ થઇ ગયા હતા. કા’તો એમની જીભો સિવાઈ ગઈ હતી કાં કોઈ કારણો સર જડ બની ગઈ હતી.

        મહિનાની દરેક પંદરમી તારીખે દીકરા તું તારો વાયદો નથી ભૂલતો એટલેજ તારો મનીઓર્ડર સમયસર મળી જાય છે. પણ, દીકરા તને નથી લાગતું એ મનીઓર્ડરના સ્થાને તું ક્યારેક આવ્યો હોત તો આ માને પૈસા કરતાય વધુ ખુશી મળી હોત. તારો ચહેરો પણ જોવા મળતને દીકરા તો લાખો શું કરોડો રૂપિયા તારા પર ફેરવીને નાખી દેત. તું ભલે પૈસા મોકલી તારી ફરજ પૂરી કરે પણ માના દિલને સાચી સાતાતો દીકરાને ભેટીનેજ મળતી હોય છે.

        તે જો મને વૃધ્દ્ધાશ્રમમાં ન મોકલીને તારી સાથેજ રાખી હોતતો મને એટલું દુઃખ કદાચ નજ થયું હોત જેટલું દર મહીને મળતા તારા મનીઓર્ડરને જોઇને થાય છે. તને શું લાગ્યું મને પૈસા એ સુખ આપી શકતા હશે જે તારા સાથે રહેવાની પળો આપી શકી હોત. તને શું ખબર દીકરા કે એક માના હૈયામાં ટાઢક માત્ર એના સંતાનનો સુવાળો સાથજ આપી શકે છે પણ તને કેમ એવું લાગતું રહ્યું કે તારા આપેલા પૈસા મને સુખ આપતા હશે. બસ ખાલી તે કહી દીધું હોત અથવા મને તારા ઘરનાજ કોઈક ખૂણે રહી જવા દીધી હોત તો હું તારા ઘરના બધાજ કામ પણ ખુશી-ખુશી કરી લેત. તારા ઘરે બંને ટાઈમનું જમવા પણ તું ભલે મને નાં આપતને તોય પણ હું ક્યાં કોઈને કહેવાની હતી. તારો સાથ હોતને દીકરા તો કદાચ મારું પેટ એનાથીજ ભરાઈ જાત. મારા પૌત્ર-પૌત્રીને હું લાડથી ચુમકારત એમને સ્નેહથી રમાડત, ઉછેરત ને જો તું કહેત તો હું કદી એ વાત જાહેર પણના કરત કે એમની દાદી છું. એક નોકરાણીની જેમ પણ રહી લેત પણ દીકરા તું સામે હોત તો મને બધા દુખ સુખ જેવાજ લાગ્યા હોત. તેમછતાય શા માટે તે મને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધી એજ મને આજ સુધી સમજાયું નથી. ખેર હું સમજુ ત્યાં સુધી તે મારી ખુશી માટેજ મને ત્યાં મોકલી હશે. પણ દીકરા મારી ખુશી તારાથી અળગી રેવામાં હશે એવું તે વિચારીજ કેમ લીધું હશે.

        હવે મને કદાચ મારા જીવનના અંતિમ તબક્કા નજીક આવતા જણાઈ રહ્યા છે. મને નથી ખબર કેટલો સમય હવે વધ્યો છે હજુય મારી પાસે પણ, એક વાત નિશ્ચિતપણે હું કહી શકું છું કે દીકરા જેટલી જીવી છું એનાં કરતા ત્રીસમાં ભાગની પણ હું હવે જીવતી રહેવાની નથી અને જીવવા માંગતી પણ નથી. કદાચ આ પળ પણ મારા માટે આખરી બની રહે પણ, દીકરા એક વાર તને મારી આંખે જોયા વગર મારે મરવું નથી, એના વગર મારો આત્મા શાંતિ નહિ મેળવી શકે. મારી છેલ્લી ઘડીની વિનંતી સમજીને મારી આંખો મીંચાઈ જતા પહેલા મને તારા ચહેરાના દર્શન જરૂર કરાવજે અને હા ખાસ મારી પૌત્ર સ્નેહા અને મીતને પણ સાથે લેતો આવજે. ભલેતું એમને મારાથી દુર ઉભા રાખજે અને ઓળખાણ પણ ના કરાવતો પણ મારી નજર સમક્ષ જરૂર લાવજે જેથી મારી આત્માને શાંતિ મળી શકશે. તારી કસમ દીકરા હું એમને માત્ર જોઈનેજ મારી ઈચ્છાઓ વાળી લઈશ. એમની નજીક જવાની કે ઓળખાણ કરવાની પણ હું જીદ નઈ કરું પણ, તું એમને લેતા આવીશને તો મારા આ વૃધ્ધ હૃદયમાં જરૂર ટાઢક વળશે.
 
         હવે આ વૃદ્ધાશ્રમની દીવાલો મને કોરી ખાવા દોડે છે. તારા વગર હવે આ લોકો પણ મને અજાણ્યા લાગે છે. એજ દીકરી આજપણ મારી પાસે છે મને એના ચહેરામાં મારી સ્નેહાનો ચહેરો દેખાય છે. એ પણ આટલીજ વહાલી અને પ્યારી હશે. તું બસ મારી એક આખરી ઈચ્છા જરૂર પૂરી કરજે મને આ દુનિયાથી પંચધાતુમાં વિલીન થવા માટે અહીંથી ના લઇ જતો એકવાર મને તારા પિતાની નિશાની સમા ઘરના ટોડલે જરૂર ચડાવજે. તને ખબર છે ઘરથી દુર આજે સાતસાત વર્ષો વીતી ગયા છે પણ આપણા ઘરની ઝાંખી હજુય મને યાદ છે. તારા પિતા પણ આજે હોત તો કદાચ મને લેવા દોડી આવ્યા હોત પણ એ નથી હવેતો તુજ મારો આધાર છે તું આવીશ ને તો મારી આખરી ઈચ્છા પૂરી થઇ જશે.

“બસ તારા આવવાની આશા,
તને જોવા માત્રની અભિલાષા,
અને તારા હાથેજ આ દુનિયાથી,
વિદાય થઇ જવાની છેલ્લી અપેક્ષા...”


તારી અભાગી માં,
[ જેની ખુશી માટે તે બધુજ સહ્યું છે... બેટા ]

લેખક :- સુલતાન સિંહ

[ આ પત્ર પ્રતીલીપી પર પ્રકાશિત થયેલો છે અને વિજેતાની શ્રેણીમાં મુકાયેલો છે..]
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s